Connect Gujarat
ગુજરાત

કમોસમી “માવઠું” : પાટણમાં વીજળી પડતા 1 યુવકનું મોત, તો ખેડૂતોના પાકને પણ નુકશાન થયું હોવાની ભીતિ...

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો,

X

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે પાટણમાં વીજળી પડતા 1 યુવકનું મોત થયું હતું અને 1 વ્યક્તિ ઘાયલ થયો હતો. તો બીજી તરફ, કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના પાકને પણ મોટું નુકશાન થયું હોવાની ભીતિ સેવાઇ રહી છે.

ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 27, 28, 29, 30 એપ્રિલ અને 1 મે એમ 5 દિવસ માટે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા 2 દિવસથી ભરઉનાળે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતાં રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. પાટણમાં દિવસ દરમ્યાન વરસાદી માહોલ વચ્ચે રાણીની વાવ જોવા આવેલા કેટલાક યુવકો પૈકી 1 યુવક પર વીજળી પડતા તેનું મોત હતું, જ્યારે 1 વ્યક્તિ ઘાયલ થયો હોવાની માહિતી સપાટી પર આવી છે. ઇજાગ્રસ્ત યુવકને જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, વરસાદની આગાહીના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. શિયાળુ પાક તૈયાર થઈ જતાં ખેડૂતો એનું વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે, ત્યારે અચાનક વરસાદ વરસતાં યાર્ડમાં રહેલ પાક પલળી ગયા હતા. મોઢામાં આવેલો કોળિયો છીનવાતો જોઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Next Story