Connect Gujarat
ગુજરાત

ખેડૂતોનો “આક્ષેપ” : સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતરની અછત, જ્યારે પૂરતો જથ્થો હોવાનો તંત્રનો દાવો

શિયાળું પાક માટે યુરિયા ખાતર લેવા ખેડૂતોની કતાર, ચાલુ વર્ષે જિલ્લામાં ખાતરની સર્જાય છે અછત : ખેડૂત.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને શિયાળું પાક માટે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું. તો બીજી તરફ, યુરિયા ખાતરની અછત મામલે રજૂઆત કરાતા ડેપોમાં ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખાતરની અછત સર્જાતિ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જીરુ, વરિયાળી, લીલો ચારો, શાકભાજી અને ઘઉં જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે શિયાળુ પાકમાં ઉત્પાદન માટે ખાતર નાખવુ ખૂબ જરૂરી છે.

તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તે માટે જિલ્લાના અલગ અલગ 100થી વધુ ડેપો ઉપર ગુજસી માસોલ દ્વારા યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે, અને પાણીની પુરતી સગવડતા હોવાના કારણે ચાલુ વર્ષે નર્મદાની કેનાલો પણ શરૂ છે.

ખેડૂતો દ્વારા રેકોર્ડ બ્રેક શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે ખાતરની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે ખેડૂતો સામાન્ય રીતે ગુજસી માસોલ દ્વારા યુરિયા ખાતરની ખરીદી કરી અને ખાતરની જરૂરિયાત સંતોષતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ખાતરની જિલ્લામાં અછત સર્જાઇ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તો બીજી તરફ ખાનગી ડેપો છે, તેને વધુ પ્રાધાન્યતા આપવામાં આવતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

વઢવાણના મુળી અને ધાંગધ્રા સહિતના ગામોમાં આવેલ યુરિયા ખાતરના ડેપોમાં ખાતરનો અપૂરતો જથ્થો ખેડૂતોને ફાળવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજસી માસોલ ડેપોમાં જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે, ત્યારે ગુજસી માસોલ ડેપોના અધ્યક્ષ દિલીપ સંઘાણીને કોંઢ સહિતના ગામોના ખેડૂતોએ લેખિતમાં રજૂઆત કરી છે. હાલ જિલ્લાના ખેડૂતોએ શિયાળું પાકો નું વાવેતર કર્યું છે.ત્યારે વાવેતર ના સમયે જ યુરિયા ખાતરની અછત સર્જતાં ખેડૂતો રોષ ફેલાયો છે.

Next Story