/connect-gujarat/media/post_banners/ac7b6d98b808e88bd7f7a6449959f3cd4b269d5c519fcdb10820b50355f67a38.jpg)
કોરોનાની મહામારીમાં આપણે સૌ કવોરન્ટાઇન શબ્દથી પરિચિત થયાં છે ત્યારે આજે જેઠ મહિનાની પુનમના દિવસે ભગવાન જગન્નાથજીને શાહી સ્નાન કરાવી તેમની પ્રતિમાઓને વિશેષ રૂમમાં મુકવામાં આવી છે. વડોદરાના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરે શાહી સ્નાનની વિધિ યોજાઇ હતી.
વડોદરા શહેરના ગોત્રી સ્થિત ઈસ્કોન મંદિરમાં ગુરૂવારના રોજ ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને મંદિરના પ્રાંગણમાં લાવીને તેમના પર નર્મદા,મહિ સાગર અને ગંગાના પવિત્ર પાણીથી અભિષેક કરવામાં આવ્યો હતો. શાહી સ્નાન બાદ પ્રભુ પરિવારની પ્રતિમાઓને વિશેષ રૂમમાં મુકી દેવામાં આવી છે. હવે અષાઢી બીજના દિવસે પ્રભુ પરિવાર રથયાત્રાના સ્વરૂપે નગરચર્યાએ નીકળશે. કોરોના મહામારીમાં સતત બીજા વર્ષે રથયાત્રા માટે સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. જો સરકાર રથયાત્રા કાઢવા માટે પરવાનગી આપશે તો ગાઈડલાઈન અનુસાર શહેરની 40મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળશે.
શાહી સ્નાન બાદ માન્યતા મુજબ પ્રભુ અસ્વસ્થ થઈ જાય છે.જેથી 15 દિવસ માટે પ્રભુને મંદિરમાં વિશેષ રૂમમાં રહેવું પડે છે તેવી માન્યતા પ્રર્વતી રહી છે. 15 દિવસના આરામ બાદ પ્રભુ પરિવાર ભકતોને દર્શન આપે છે. આ પ્રસંગને રથયાત્રાના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. જેઠ સુદ પૂનમથી ૧૫ દિવસ સુધી પ્રભુના બિમાર પડવાના આ અવધિ કાળ દરમિયાન પુજારી દ્વારા વિવિધ લેપ, આયુર્વેદિક પ્રવાહી તથા ખીચડી નૈવૈદ્ય ધરાવાય છે, પ્રસાદમાં ફણગાવેલા મગ અને ચણાનો પણ મહિમા રહેલો છે.