કૈલાશ રોડ પર બ્રિજના નવનિર્માણની કામગીરી વેળા દુર્ઘટના
રૂ. 42 કરોડના ખર્ચે બનતા બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડતાં દોડધામ
ભૂકંપ જેવો અવાજ આવતા જ લોકો દોડી આવ્યા : પ્રત્યક્ષદર્શી
દુર્ઘટનામાં 5 શ્રમિકો ઇજાગ્રસ્ત, કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો
SDM, કલેક્ટર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બ્રિજનું સ્ટ્રક્ચર એકાએક તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 5 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાય હતી. 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું હતું. બનાવના પગલે ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ફાયર વિભાગે 5 શ્રમિકોનું રેસક્યું કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
તો બીજી તરફ, વલસાડના કૈલાશ રોડ પર બ્રિજની કામગીરી દરમ્યાન સર્જાયેલી દુર્ઘટનામાં ક્રેન મારફતે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાવી અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે. આ તરફ, તમામ શ્રમિકોનો ઇન્શ્યોરન્સ લીધેલો હોવાનું કહી કોન્ટ્રાક્ટરે પણ પોતાનો લૂલો બચાવ કર્યો હતો.
સમગ્ર મામલે પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું હતું કે, ઓરંગા નદી પરના નિર્માણધીન બ્રિજના ગડરમાં નુકસાની સર્જાતા આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઇ મોત થયું નથી. પરંતુ 5 શ્રમિકોને ઇજાઓ પહોંચી છે, જે સારવાર હેઠળ છે. આ ઉપરાંત અધિકારીઓ સાથે મિટિંગ કરી ક્ષતિ ક્યાં રહી તે દિશામાં તપાસ કરવામાં આવશે, અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, સવારના સમયે દુર્ઘટના સર્જાયા 5 લોકોને ઇજા થઇ છે. જેમાં 4 લોકોની તબિયત સારી છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે કોઇ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી છે. જોકે, રૂ. 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. 2 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર એક વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઇમલાઇન છે.