-
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વિવાદમાં સપડાયા
-
વાર્ષિક ઉત્સવની ઉજવણી બની વિવાદોનું કારણ
-
હોસ્પિટલ કેમ્પસમાં ડીજે વગાડતા વિવાદ સર્જાયો
-
કારમાં કરી જોખમી સ્ટંટની શો બાજી
-
ડીન દ્વારા અપાય જરૂરી કાર્યવાહીના આદેશ
વલસાડના મેડિકલ કોલેજમાં એન્યુઅલ ડે ઉજવણીનો ભારે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજે ના તાલે ઝૂમી અને કાર પર સ્ટંટ કરી નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે.ત્યારે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરી કાયદેસરના પગલાં લેવાની ખાતરી કોલેજના ડીન દ્વારા આપવામાં આવી છે.
વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ભાવિ તબીબોએ કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા. એન્યુઅલ ડેની મસ્તીમાં મેડિકલ સ્ટુડન્ટ ભાન ભૂલ્યા અને નિયમોને નેવે મૂકી હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજેના તાલે ઝૂમી અને કારમાં ઉભા રહી અને જોખમી સ્ટંટ કર્યા હતા.આમ હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટનો મસ્તી ધમાલનો વિડિયો વાયરલ થતાં બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.વાર્ષિક ઉત્સવ નિમિત્તે ત્રણ દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.સામાન્ય રીતે હોસ્પિટલની આજુબાજુ ઉંચા અવાજે મ્યુઝિક વગાડવુ તો ઠીક વાહનોના હોર્ન વગાડવા પર પણ રોક હોય છે. તેમ છતાં ભાવિ તબીબોએ હોસ્પિટલ કેમ્પસમાં જ કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા અને નિયમોને નેવે મૂકી ડીજેના તાલે તેઓ ઝૂમ્યા હતા.આટલેથી ન અટકતા કેટલાક સ્ટુડન્ટ કારમાં જોખમી રીતે ઉભા રહી અને શોબાજી કરી સ્ટંટ કર્યા હતા.સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડિનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે આ પ્રકારનો આયોજન થાય છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તમામ પ્રશાસન પરવાનગી લેવામાં આવે છે.સાથે જ પોલીસ પરવાનગી પણ મેળવવામાં આવી હતી.પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા હોસ્પિટલના ગેટ પર ડીજે વગાડવું અને ઝુલુસ કાઢવુંએ યોગ્ય નથી.સમગ્ર બાબતોને ધ્યાને આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ સમિતિના અહેવાલ બાદ દોષિત વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી હોસ્પિટલના ડીન દ્વારા આપવામાં આવી હતી.