ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા વલસાડ જિલ્લાની મુલાકાતે
હર્ષ સંઘવીએ દાદિયા ફળિયા - ધરમપુરમાં શ્રીજીના દર્શન કર્યા
ગણેશ પંડાલમાં પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ કરી અપીલ
યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી
ભાજપના અગ્રણીઓ-કાર્યકર્તાઓ સહિત નગરજનોની ઉપસ્થિતી
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ શહેરના દાદિયા ફળિયા અને ધરમપુરના ગાર્ડન રોડ ગણપતિના દર્શન કર્યા હતા. આ સાથે જ તેઓએ યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ધરમપુરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી.
ત્યારબાદ શહેરના પૌરાણિક લક્ષ્મી નારાયણ મંદિરના દર્શન કરી વિવિધ ગણેશ મંડપમાં દાદાના દર્શન કર્યા હતા. વલસાડના દાદીયા ફળિયામાં યોજાય રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ પોતાના સંબોધનમાં યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી. ડ્રગ્સના દુષણ સામેની લડાઇમાં મહિલાઓને પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી.
આમ ગણેશ મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી સમાજમાં પ્રવર્તતી બદીઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.