વલસાડ : જિલ્લામાં ગાજવીજ સાથે મેઘો "અનરાધાર", ઉમરગામમાં બે કલાકમાં 8.46 ઇંચ વરસાદ

વલસાડ શહેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર, ઉમરગામમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી મેઘાનું તાંડવ.

New Update
વલસાડ : જિલ્લામાં ગાજવીજ સાથે મેઘો "અનરાધાર", ઉમરગામમાં બે કલાકમાં 8.46 ઇંચ વરસાદ

વલસાડ શહેર તથા જિલ્લામાં મેઘરાજાનું તાંડવ નૃત્ય જોવા મળ્યું છે. ખાસ કરીને ઉમરગામમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ 8 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને હજી પણ વરસાદ વરસી રહયો છે. વલસાડ શહેરમાં પણ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાકમાં વલસાડના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે. રવિવારે સવારથી ગાજવીજ સાથે વરસી રહેલાં વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યાં છે. ઉમરગામમાં આભ ફાટતાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયાં છે. સમગ્ર વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. હવામાન વિભાગે કરેલી આગાહીને મેઘરાજાએ યર્થાથ સાબિત કરી છે.

વલસાડ શહેરની વાત કરવામાં આવે તો શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. આ ઉપરાંત છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે. રવિવારે વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહયો છે. કોઇ અનિચ્છનીય બનાવ બને તો બચાવ અને રાહત કામગીરી માટે વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખીને બેઠું છે. વલસાડ શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશી ગયાં હતાં.

Latest Stories