/connect-gujarat/media/media_files/2025/09/02/inc-n-2025-09-02-15-08-16.png)
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગર વાપીમાં આવકવેરા વિભાગ (IT) દ્વારા વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. વાપીમાં આવેલી જાણીતી પેપર મિલો ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ તેમજ એન.આર. અગ્રવાલ પેપર મિલ સહિત અનેક કંપનીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, IT વિભાગે વાપી ઉપરાંત મુંબઈ અને પુણે ખાતે પણ એકસાથે સર્ચ શરૂ કર્યું છે. કંપનીઓ સાથે જોડાયેલા સ્ક્રેપ ડીલરોના સ્થળોએ પણ તપાસ હાથ ધરાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત માત્ર વાપી વિસ્તારમાં 25 થી વધુ સ્થળોએ અને મુંબઈ, પુણેમાં 10થી 12 જેટલી જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ તપાસ આવકવેરા વિભાગના સુરત અને વાપી વિંગના અધિકારીઓ દ્વારા સંકલિત રીતે હાથ ધરાઈ છે. મોટા પાયે ચાલી રહેલા આ ઓપરેશનને લઈને ઉદ્યોગ જગતમાં ચકચાર મચી ગઈ છે. IT વિભાગ દ્વારા વિવિધ કંપનીઓના દસ્તાવેજો, હિસાબી પુસ્તકો અને ડિજિટલ ડેટાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર સ્તરે હજી સુધી કોઈ નિવેદન જાહેર કરાયું નથી, પરંતુ આ કાર્યવાહી ઉદ્યોગ જગતમાં કરચોરી સામેના મોટા પગલાં તરીકે જોવામાં આવી રહી છે.