ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા અનોખી ઉજવણી
દિવાસા પર્વ નિમિત્તે ટપ્પા દાવ રમી ઉજવણી કરાય
ધરમપુરમાં 10 હજારથી પણ વધુ નારિયેળનું વેચાણ
નારિયેળ વડે રમવામાં આવતી “ટપ્પા દાવ”ની રમત
વર્ષો જૂની પરંપરા ધરમપુરમાં આજે પણ યથાવત
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા દિવાસા પર્વ નિમિત્તે “ટપ્પા દાવ”ની રમત રમી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ધરમપુરમાં 10 હજારથી પણ વધુ નારિયેળનું વેચાણ થાય છે. તો ચાલો, કનેક્ટ ગુજરાતના સથવારે જાણીએ શું છે "ટપ્પા દાવ"ની રમત અને આ રમત શ્રીફળ વડે કેવી રીતે રમવામાં આવે છે.
શ્રાવણ માસના પ્રારંભના એક દિવસ અગાઉ આવતી અમાસને આદિવાસી સમાજના લોકો દિવાસા તરીકે મનાવે છે, અને આ દિવસે દરેક ઘરે એક ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળે છે. બજારમાં પણ ખૂબ ચહલ પહલ જોવા મળે છે. એમાં પણ સૌથી વધુ આકર્ષણ ધરાવતું હોય તો માત્રને માત્ર વલસાડ જિલ્લાના ધરમપુર બજારમાં રમવામાં આવતી "ટપ્પા દાવ"ની રમત છે. ધરમપુરના બજાર ફળિયા, સમડીચોક તેમજ ઝાંપાબજાર વિસ્તારમાં લોકો નારિયેળ ખરીદીને આ રમતનો આનંદ લેતા હોય છે.
એક વ્યક્તિ શ્રીફળ હાથમાં પકડે છે, અને સામેનો વ્યક્તિ પણ પોતાના હાથમાં રહેલા શ્રીફળ વડે શ્રીફળ પર ઘા કરે છે. જેનું નારિયેળ ફૂટી જાય છે, એ ઘા કરનાર વ્યક્તિને આપી દે છે અને જો ના તૂટે તો બીજો વ્યક્તિ નારિયેળ તોડવા પ્રયાસ કરે છે. આમ સામસામે આ નારીયેળની રમત એટલે કે, "ટપ્પા દાવ" રમવામાં આવે છે. જોકે, કેટલાક લોકોને આ રમતની મોજમાં હાથમાં ઈજાઓ પણ પહોંચે છે. પરંતુ આ રમતની મઝા અનેક લોકો લેતા જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધરમપુરમાં વર્ષોથી ચાલી આવતી આ રમત ચોમાસા દરમિયાન ડાંગરની રોપણી પૂર્ણ થયા બાદ જે આનંદ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે, તે માટે દિવાસા પર્વ ઉજવાય છે. ધરમપુરમાં રમવામાં આવતી “ટપ્પા દાવ”ની રમત નિહાળવા અને રમવા નવસારી, વાંસદા તેમજ દમણ સહિતના અન્ય વિસ્તારોમાંથી લોકો વલસાડના ધરમપુર ખાતે આવી પહોચે છે.