/connect-gujarat/media/post_banners/0ccfc990d03b4a783acc3e9cdc40d0da639b3a7e1f6fd58f95af04e53caec691.jpg)
રાજ્યભરમાં છેલ્લા 2 દિવસમાં વાહનોમાં આગ લાગવાના અલગ અલગ બનાવો બન્યા છે. જેમાં નવસારી, વડોદરા અને સુરેન્દ્રનગર સહિતના અન્ય શહેરોમાં વાહનો આગમાં ખાક થયા છે. જોકે, પાર્ક કરેલા વાહનોમાં જ આગ લાગતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
છેલ્લા 2 દિવસથી રાજ્યમાં આગ લાગવાના અલગ અલગ બનાવો બન્યા છે. જેમાં ખાસ કરીને ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. નવસારી શહેરના રંગુર નગર વિસ્તારમાં આવેલ ગ્રીન એવન્યુ સોસાયટી નજીક કારમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી હતી. જોકે, કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં મોટી જાનહાની ટળી હતી. બનાવની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ કાર આગ લાગવાની ઘટનામાં સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.
તો બીજી તરફ, વડોદરા શહેરના સરદાર એસ્ટેટ નજીક પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાર ભડ ભડ સળગી ઉઠી હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. પરંતુ શોર્ટ સર્કિટના કારણે કર્મા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગરની વાત કરીએ તો, વઢવાણ શહેરના દેપાળાવાડ વિસ્તારમાં પાર્ક કરેલ એક બાઇકમાં આગ લાગી હતી. ઘર નજીક પાર્ક કરેલ બાઇકમાં અચાનક આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી હતી. જોકે, આગ વધુ પ્રસરે તે પહેલા જ સ્થળ પર હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનામાં બાઇક બળીને સંપૂર્ણ ખાક થઈ ગયું હતું.