Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારનો નિર્ણય: દેશભરના 12 રાજ્યોમાં 23 નવી હોસ્પિટલો ખુલશે, ESICનો 443 જિલ્લાઓમાં સંપૂર્ણ પણે થયો અમલ

દેશભરમાં મેડિકલ કેર અને સર્વિસ ડિલિવરી સિસ્ટમને વિસ્તારવા માટે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારનો નિર્ણય: દેશભરના 12 રાજ્યોમાં 23 નવી હોસ્પિટલો ખુલશે, ESICનો 443 જિલ્લાઓમાં સંપૂર્ણ પણે થયો અમલ
X

ESICએ નિર્ણય કર્યો છે કે તેની આરોગ્ય વીમા યોજના 2022ના અંત સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે. અત્યારે એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESIC) યોજના સંપૂર્ણપણે દેશના 443 જિલ્લાઓમાં અને આંશિક રીતે 153 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી છે. કુલ 148 જિલ્લાઓ હજી પણ આ વીમા યોજનાના કાર્યક્ષેત્રની બહાર છે.શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ESICની 188મી બેઠકમાં દેશભરમાં મેડિકલ કેર અને સર્વિસ ડિલિવરી સિસ્ટમને વિસ્તારવા માટે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષના અંત સુધીમાં જે જિલ્લાઓને આંશિક રીતે આવરી લેવામાં આવ્યા છે અને યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી, તેમને સંપૂર્ણપણે ઇએસઆઇસી યોજનાના દાયરામાં લાવવામાં આવશે. નવી ડિસ્પેન્સરી- કમ-બ્રાન્ચ ઓફિસ (DCBO) સ્થાપીને હેલ્થકેર સેવાઓ પૂરી પાડવામાં આવશે.ESICએ દેશભરમાં 100 બેડની નવી 23 હોસ્પિટલો ખોલવાનો નિર્ણય પણ લીધો છે. આમાંથી છ હોસ્પિટલો મહારાષ્ટ્રના પાલઘર, સતારા, પેન, જલગાંવ, ચાકન અને પનવેલમાં સ્થાપિત કરવામાં આવશે. હરિયાણામાં હિસાર, સોનીપત, અંબાલા અને રોહતક એમ ચાર હોસ્પિટલો ખોલવામાં આવશે.

તમિલનાડુમાં બે (ચેંગલપટ્ટુ અને ઇરોડ) હોસ્પિટલ, બે ઉત્તર પ્રદેશ (મુરાદાબાદ અને ગોરખપુર)માં અને બે કર્ણાટક (તુમકુર અને ઉડુપી)માં સ્થાપિત કરવામાં આવશે. ESIC આંધ્રપ્રદેશનાં નેલ્લોર, છત્તીસગઢનાં બિલાસપુર, ગોવાનાં મુલગાંવ, ગુજરાતનાં સાણંદ, મધ્યપ્રદેશનાં જબલપુર, ઓડિશાનાં ઝારસુગુડા અને પશ્ચિમ બંગાળમાં ખડગપુરમાં એક-એક હોસ્પિટલ પણ સ્થાપિત કરશે.

Next Story