Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારે રાજયપાલોની બદલીનો ચીપ્યો ગંજીફો, અનેક રાજયોના રાજયપાલ બદલાયા

આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજયપાલના ભારમાંથી મુકત કરાયાં છે તેમના સ્થાને મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના નવા રાજયપાલ બનાવાયાં

કેન્દ્ર સરકારે રાજયપાલોની બદલીનો ચીપ્યો ગંજીફો, અનેક રાજયોના રાજયપાલ બદલાયા
X

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિવિધ રાજયપાલોની બદલી તથા નિમણુંકના આદેશ કર્યા છે. સૌથી મહત્વના ફેરબદલ પર નજર નાંખીએ તો ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજયપાલના ભારમાંથી મુકત કરાયાં છે તેમના સ્થાને ગુજરાતના જ પુર્વ મંત્રી મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના નવા રાજયપાલ બનાવાયાં છે. આનંદીબેન પટેલ હવે ઉત્તરપ્રદેશના રાજયપાલ તરીકે કાર્યભાર ચાલુ રાખશે.

દેશના અન્ય રાજયોની વાત કરવામાં આવે તો મિઝોરમના રાજયપાલ ( ગર્વનર ) પી.એસ.શ્રીધર પિલ્લાઇને ગોવાના રાજયપાલ બનાવવામાં આવ્યાં છે.હરિયાણાના રાજયપાલ સત્યદેવ નારાયણ આર્યની બદલી ત્રિપુરા ખાતે કરવામાં આવી છે. ત્રિપુરાના ગર્વનર રમેશ બૈસને ઝારખંડના ગર્વનર બનાવાયાં છે. મંત્રીમંડળના સભ્ય થાવરચંદ ગેહલોટને કર્ણાટકના રાજયપાલ તરીકે નિયુકત કરાયાં છે. હિમાચલ પ્રદેશના ગર્વનર બંદારૂ દત્તાત્રેયની બદલી હરિયાણા ખાતે કરવામાં આવી છે. ડૉ. હરિબાબુ કંભાપતિને મિઝોરમના રાજયપાલ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશના જયારે રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર હિમાચલ પ્રદેશના રાજયપાલ બન્યાં છે. મોદી સરકારના મંત્રીમંડળની વિસ્તરણની ચાલતી વાતો વચ્ચે ગર્વનરોની બદલી એકદમ મહત્વની ગણવામાં આવી રહી છે. આગામી ટુંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેવી અટકળો હવે તેજ બની છે.

Next Story