Connect Gujarat
દેશ

ભરૂચના પૂર્વ સરકારી કર્મચારીએ નવસારી કલેક્ટર કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો..!

X

કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરાતા ખળભળાટ

ભરૂચના પૂર્વ સરકારી કર્મચારીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

71 વર્ષીય વૃદ્ધ શરીરે 35 ટકાથી વધુ દાઝી જતાં સારવાર હેઠળ

નવસારી જિલ્લા કલેક્ટર કચેરીમાં પૂર્વ સરકારી કર્મચારીએ જ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચ કલેક્ટર કચેરીની DILR શાખાના ટર્મીનેટેડ પૂર્વ ઇન્કવાયરી સર્વેયર ભરત ભાવસારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2002માં ટર્મીનેટ થયેલા 71 વર્ષીય ભરત ભાવસારે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં તેઓ નવસારી કલેક્ટર કચેરીમાં જ ભડભડ સળગવા લાગ્યા હતા, ત્યારે આસપાસના લોકોએ ભરત ભાવસારને બચાવીને એમ્બુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ભરત ભાવસાર શરીરે 35 ટકાથી વધુ દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ નવસારી LCB, SOG, ગ્રામ્ય અને ટાઉન પોલીસ મથકનો કાફલો દોડતો થયો હતો. જોકે, કલેકટર કચેરીમાં પૂર્વ સરકારી કર્મચારી પેટ્રોલથી ભિંજવેલા ગાભા સાથે લઈને આવ્યા હતા, અને કલેકટર કચેરી તેઓ કેમ આવ્યા અને સરકારી કચેરીમાં જ આવું પગલું કેમ ભર્યું તે અંગે પણ પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે હાલ તો પૂર્વ સરકારી કર્મચારીએ ક્યાં કારણોસર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે, તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે. તો બીજી તરફ, નવસારી જિલ્લા અધિક કલેકટરે જણાવ્યુ હતું કે, ભરૂચ કલેક્ટર કાચેરી ખાતે સરકારી દસ્તાવેજોમાં ચેડા કરવા બદલ ભરત ભાવસારને બરતરફ કરાયા હતા. જોકે, હાઇકોર્ટમાં ભરત ભાવસાર દોષિત ઠરતા તેઓને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા હતા, ત્યારે કાયમી બરતરફી અંગે ભરત ભાવસારે ગાંધીનગર ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. આગામી તા. 18મી સપટેમ્બરના રોજ ગાંધીનગર ટ્રિબ્યુનલની મુદ્દત પહેલા માત્ર સરકાર અને લોકોનું ધ્યાન ખેંચવા નવસારી કલેકટર કચેરી ખાતે ભરત ભાવસારે આત્મવિલપનનો પ્રયાસ કર્યો હતો. નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે તેઓની કોઈ રજૂઆત ન હતી, પણ લોકોનું ધ્યાન ખેંચવા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

Next Story