આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે. પીએમ મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSSના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન થયા છે.
તમામ સનાતનીઓ તેમજ સમગ્ર દેશ ઘણા સમયથી જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો, તે ક્ષણના અધ્યાય સાથે આજે ઈતિહાસ રચાયો છે. અયોધ્યા રામ મંદિરમાં અભિષેક દરમિયાન પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSSના વડા મોહન ભાગવત, મુખ્ય યજમાન અનિલ મિશ્રા અને ડો. અનિલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રામલલા બિરાજમાન થયા છે, જ્યારે તા. 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ ભગવાન શ્રીરામના દર્શન કરી શકશે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં રામ લલ્લાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતાં ફૂલોની વર્ષા કરી હતી. સમારોહ માટે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત આમંત્રિતોએ મંદિર પરિસરમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો અને મહંતો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સહભાગી થયા હતા.