/connect-gujarat/media/media_files/2024/12/29/Sk7CdglbjzOYCIL3MuzH.jpg)
દિલ્લી
દિલ્હીમાં શનિવારે 41.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે ડિસેમ્બર મહિનામાં છેલ્લા 101 વર્ષમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને હવાની ગુણવત્તામાં પણ સુધારો થયો છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે આકાશ વાદળછાયું રહ્યું હતું અને દિવસ દરમિયાન હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કરીને હળવો વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. શનિવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં છ ડિગ્રી વધારે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર મહિનામાં આટલો વરસાદ 101 વર્ષ પછી થયો છે. આ પહેલાં 3 ડિસેમ્બર 1923ના રોજ દિલ્હીમાં 75.7 મીમી વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે દિલ્હીમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. અત્યાર સુધી હળવી ઠંડી હતી, પરંતુ હવે તીવ્ર ઠંડી શરૂ થવાની આગાહી છે. વરસાદમાં ભીના થવાના કારણે લોકોમાં બીમાર પડવાનું જોખમ પણ વધી ગયું છે.
છેલ્લા 24 કલાકથી વરસાદની સકારાત્મક અસર હવાની ગુણવત્તામાં સુધારા સ્વરૂપે જોવા મળી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, શનિવારે સવારે 9 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 152 હતો, જે 'મધ્યમ' શ્રેણીમાં આવે છે.