Connect Gujarat
ગુજરાત

ઇટાલીના વેનિસ શહેરમાં લગભગ 6 ફૂટ (1.87 મીટર) પાણી ભરાયા બાદ સરકારે કટોકટી જાહેર કરી

ઇટાલીના વેનિસ શહેરમાં લગભગ 6 ફૂટ (1.87 મીટર) પાણી ભરાયા બાદ સરકારે કટોકટી જાહેર કરી
X

ઈટાલીના વેનિસ શહેરમાં કુદરતી કહેર સર્જાયો છે. દરિયામાં પૂરની સ્થિતિ સર્જાતા દરિયાનું પાણી વેનિસ શહેરમાં પ્રવેશતા બેસિલિકા સહિત શહેરના ઘણા ઐતિહાસિક અને જાણીતા સ્થળો પાણીમાં ડૂબ્યા છે.

પરિસ્થિતિનો તાગ મેળવવા વડા પ્રધાનની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી, ત્યારબાદ સરકારે શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. પૂરને કારણે શહેરમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઇટાલીના વડા પ્રધાન ઝૂજેપે કોન્ટેએ પૂરને "એક મોટો હાર્ટ એટેક" ગણાવ્યો છે અને કહ્યું છે કે કટોકટીની ઘોષણા પછી સરકાર હવે લોકોની મદદ કરવા અને જરૂરી નાણાં અને સંસાધનો એકત્રિત કરવા માટે ઝડપથી કામ કરશે.

બુધવારે શહેરની મુલાકાત લીધા બાદ વડા પ્રધાન કોન્ટેએ તેના ફેસબુક પેજ પર લખ્યું કે, "શહેરમાં જે વિનાશ થયો છે તે જોવું દુખદાયક છે, શહેરનો વારસો પ્રભાવિત થયો છે અને તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ બંધ થઈ ગઈ છે." કોન્ટેએ કહ્યું કે તેમની સરકાર શહેરને પૂરના જોખમથી બચાવવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં શહેરમાં જે પણ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય તે માટે સરકાર તૈયાર થઈ ગઈ છે.

તેનો સંદર્ભ મોઝ પ્રોજેક્ટ તરફનો હતો, જે હેઠળ જે લગૂનની વચ્ચે શહેર વસેલું છે તેને દરિયા થી અલગ કરવા માટે દરવાજા સ્થાપિત કરવાના છે. યોજના મુજબ સમુદ્રમાં ઊંચી તરંગો આવવા પર આ દરવાજા બંધ કરવામાં આવશે. જેથી દરિયાનું પાણી લગુનમાં ન ભરાય અને પૂરની પરિસ્થિતિ ન સર્જાય. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે કટોકટીની ઘોષણા બાદ, દરેક વ્યક્તિ પૂરથી થયેલા નુકસાનના વળતર તરીકે પાંચ હજાર યુરો અને વ્યવસાય વીસ હજાર યુરો સુધીનો દાવો કરી શકે છે.

આ શહેરનો 80% હિસ્સો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં શામેલ છે અને તેના કારણે લાખો પ્રવાસીઓ અહીં આવવા માટે આવે છે. વહીવટી તંત્ર અનુસાર, બુધવારે શહેરના રહેવાસીઓને દરિયામાં મોટી લહેરો વિશે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ એવી અપેક્ષા નહોતી કે તે 130 સેન્ટિમીટરથી પણ વધુ હશે.

સિટી મેયર લુઇગી બ્રુગનારોનું કહેવું છે કે 50 વર્ષોમાં પહેલીવાર આ શહેરને આટલા મોટા સંકટનો સામનો કરવો પડ્યો છે અને તેની ગાઢ અસર પડશે. સેન્ટ માર્કની બેસિલિકાને "ગંભીર નુકસાન" થયું છે. તેમનું કહેવું છે કે પૂરના પાણીને કારણે બાસિલિકાના બંધારણને નુકસાન થયું છે અને આ નુકસાનને પહોંચી વળવા લાખો યુરો ખર્ચ થશે.

Next Story