Connect Gujarat
Featured

જામનગર : પુર્વ ડેપ્યુટી મેયરે ભાજપ સાથે ફાડયો છેડો, આમ આદમી પાર્ટીમાંથી લડશે ચુંટણી

જામનગર : પુર્વ ડેપ્યુટી મેયરે ભાજપ સાથે ફાડયો છેડો, આમ આદમી પાર્ટીમાંથી લડશે ચુંટણી
X

રાજયની મહાનગરપાલિકાઓની ચુંટણી માટે ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં વિરોધનો વાયરો ફુંકાયો છે. જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર રહી ચુકેલાં કરસન કરમુરને કે તેમના સગાને ટીકીટ નહિ આપવામાં આવતાં તેઓ નારાજ થઇ ગયાં છે. નારાજ થયેલા કરસન કરમુર શુક્રવારના રોજ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયાં હતાં. તેઓ હવે આમ આદમી પાર્ટીમાંથી મહાનગરપાલિકાની ચુંટણી લડશે.

જામનગર આહીર સમાજના પ્રમુખ અને ગત ટર્મ માં ભાજપ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા કરસન કરમુરે આજે ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું ધરી દીધું હતું અને આપ માં જોડાયા હતા આવતીકાલે કરસનભાઇ આપમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે. જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માં ભાજપે સતત ત્રણ ટર્મ ચૂંટાયેલા નેતાઓને ટિકિટ નહીં મળે તેવો નિયમ અમલમાં મુકયો હતો. સતત પાંચ ટર્મ માટે ચૂંટાયેલા આહીર સમાજના પ્રમુખ કરસનભાઇ કરમુરને ટિકિટ મળે તેમ ન હતી. આથી તેમણે તેમના ભત્રીજાને ટિકિટ આપવા ભાજપની નેતાગીરી સમક્ષ રજૂઆત કરી હતી પણ તેને ટીકીટ આપવામાં આવી ન હતી. પ્રદેશ નેતાગીરીથી નારાજ કરસન કરમુર હવે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયાં છે. અને મહાનગરપાલિકાની ચુંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીમાંથી ઝંપલાવશે.

Next Story