Connect Gujarat
Featured

જામનગર : નશામુક્તિ અભિયાન અંતર્ગત તાલીમ શિબિર યોજાઇ, નશામુક્ત ઝુંબેશનો પણ કરાશે પ્રારંભ

જામનગર : નશામુક્તિ અભિયાન અંતર્ગત તાલીમ શિબિર યોજાઇ, નશામુક્ત ઝુંબેશનો પણ કરાશે પ્રારંભ
X

જામનગર જિલ્લામાં નશામુક્તિ અભિયાન અમલીકરણ કરવા માટે સરકારના શિક્ષણ, આઇ.સી.ડી.એસ., મહિલા-બાળ વિભાગના કર્મીઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અધિકારી, કર્મચારી, પદાધિકારીઓ અને નશાબંધી ક્ષેત્રે સંકળાયેલા કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે જાગૃતિલક્ષી તાલીમ કાર્યક્રમ અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નશામુક્ત અભિયાનનો વાર્ષિક એક્શન પ્લાન 2020-2021 દેશના 272 સંવેદનશીલ જિલ્લાઓ માટે ઘડવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા, પોરબંદર, જામનગર, ભરૂચ એમ કુલ 8 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નશામુક્ત જામનગર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ જણાવ્યુ હતું કે, ભૌતિકવાદ, સામાજિક રીતભાત અને જીવનશૈલીના બદલાવ સાથે વ્યક્તિના જીવનમાં નશો આવી જતી હોય છે, પરંતુ માનસિક વિચારધારા અને જીવનશૈલીમાં બદલાવ સાથે આ કુટેવમાંથી વ્યક્તિને બહાર લાવી શકાય છે. બાળકો અને યુવા વર્ગ સાથે શિક્ષકો, આશા બહેનો ખૂબ નજીકથી જોડાયેલા છે, ત્યારે ભવિષ્યની પેઢીમાં આ કુટેવ ન આવે ઉપરાંત યુવાવર્ગને આ કુટેવમાંથી બહાર લાવી શકવા શિક્ષકો સમર્થ છે. વર્ષો અગાઉ ધર્મગુરુ અને આધ્યાત્મિક ગુરુઓએ સમાજને નશામુક્ત બનાવવા અનેક ઝુંબેશો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન આણ્યા છે, ત્યારે આવનાર પેઢી અને સંપૂર્ણ સમાજ તંદુરસ્ત બને તે માટે કઈ રીતે આગળ વધી શકાય તે અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન સરાહનીય છે. જોકે, તાલીમ કાર્યક્રમના હેતુ અને રૂપરેખા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થના શેરસીયા દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિષય નિષ્ણાંતો દ્વારા નશામુક્તિ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નશામુકત જામનગર બનાવવા માટે જામનગર જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ પણ તાલીમ કાર્યક્રમ યોજાયેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી, મદદનીશ નિયામક રોજગાર અધિકારી, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નગર શિક્ષણ સમિતિ શાસનાધિકારી, નશાબંધી અને આબકારી અધિક્ષક, પ્રોગ્રામ ઓફીસર, આઈ.સી.ડી.એસ અને અન્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story