Connect Gujarat
Featured

મહેસાણા: પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરી બંધાઈ લગ્નના તાંતણે, જુઓ અનોખા લગ્ન

મહેસાણા: પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરી બંધાઈ લગ્નના તાંતણે, જુઓ અનોખા લગ્ન
X

મહેસાણા તાલુકાના કુકસ ગામમાં પાકિસ્તાન આવેલા કેટલાક હિન્દુ પરિવારો છેલ્લા કેટલાય સમયથી આ ગામમાં વસવાટ કરે છે ત્યારે આ ગામમાં દોઢ વર્ષથી રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરીનાં લગ્ન રવિવારે ગ્રામજનોએ ધામધૂમથી કરાવ્યા હતા.

પાકિસ્તાન છોડીને મિથુભાઇ હોતીભાઇ ઠાકોર સહિત 15 પરિવારો ભારત આવી દિલ્હી રેફ્યુજી કેમ્પમાં રહી પહેલા મહેસાણાના ઇન્દિરાનગરમાં રહેતા પરિચિતને ત્યાં આવીને વસ્યા હતા. ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવારો દોઢ વર્ષથી કુકસ ગામે સેંધાભાઇ ચૌધરીના બોર ઉપર રહે છે. આ પરિવારની દીકરી જમનાના લગ્ન રાધનપુરના હમીર સાથે તેમજ નિલમના લગ્ન ઊંઝાના ઉનાવાના સુરજ નામના યુવક સાથે નક્કી થયા.પરિવાર આર્થિક સદ્ધર ન હોઇ સેંધાભાઇ સહિત ગ્રામજનો મિથુભાઇના ઘરે આવેલા લગ્ન પ્રસંગની તૈયારીમાં લાગ્યા.

રવિવારે સવારે રાધનપુર અને ઉનાવાથી વરરાજા જાનૈયાઓ સાથે કુકસ પહોંચ્યા તો ગ્રામજનોએ હોંશભેર વધામણાં કર્યા અને ગ્રામજનોએ રામદેવ પીરના મંદિર પાછળ તૈયાર કરેલા લગ્ન મંડપમાં બંને દીકરીનાં લગ્ન સમાજના રીતરિવાજ મુજબ કરાવ્યા. સાથે મહેમાનો, ગ્રામજનો અને જાનૈયા સહિત 500 માણસોએ એક રસોડે ભોજન પણ લીધું.આ અંગે પરિવારના મોભીએ જણાવ્યુ હતું કે અમને લગ્નમાં આવો સહકાર પાકિસ્તાનમાં ના મળે. અહીં સેંધાભાઇ અને ગ્રામજનોએ મંડપ, ભોજન, કરિયાવર સહિતનો તમામ ખર્ચ ઉઠાવી વિચાર્યું ન હોય તેવો સહયોગ આપ્યો છે. અમારો ગામ સાથે કાયમી નાતો બંધાઇ ગયો.

કુકસ ગામના આગેવાન સેંઘાભાઇ ચૌધરીએ કહ્યું કે, લગ્નની આમંત્રણ પત્રિકાથી માંડીને લગ્ન સુધીના કામકાજમાં સૌ સહયોગી બન્યા. જેમાં લગ્નમંડપ વીસેક હજારના ખર્ચે ગ્રામજનોએ તૈયાર કર્યો અને ગ્રામજનોના સહયોગથી બન્ને દીકરી હવે નવું જીવન શરૂ કરવા જઇ રહી છે.

Next Story