Connect Gujarat
Featured

નમામિ દેવી નર્મદે: આજે નર્મદા જયંતિ,પુણ્ય સલીલા માં નર્મદાની ઉત્પત્તિ પાછળની રોચક કથા

નમામિ દેવી નર્મદે: આજે નર્મદા જયંતિ,પુણ્ય સલીલા માં નર્મદાની ઉત્પત્તિ પાછળની રોચક કથા
X

એક નદી જે યુગો યુગોથી વહે છે..એક નદી જે વર્ષોથી એક જીવન શૈલીને જીવાડે છે અને એક નદી જે ઘણા લોકોની આધાર માતા છે...ખળખળ વહેતી,રૌદ્ર સ્વરૂપ માટે જાણીતી,સેંકડો લોકોની તરસ છીપાવતી પાવન સલીલા માં નર્મદા..જેના ખોળે વસવાનું ભરૂચને સોભાગ્ય પ્રાપ્ત થયું છે એવી નર્મદા માતાની આજે જન્મ જયંતી છે ત્યારે હું જય વ્યાસ કનેક્ટ ગુજરાતની વિશેષ રજૂઆત નમામિ દેવી નર્મદેમાં આપનું સ્વાગત કરું છું. નર્મદા નદીની ઉત્પત્તિ અંગે જોઈએ આ એક અહેવાલ

7 કલ્પોથી વહેતી નર્મદા નદીની અવિરત ધારા અને તેના પ્રાગટય વિશે અથથી ઇતિ સુધીની વેદો અને પુરાણોમાં વર્ણવાયેલી કથાઓ મુજબ ભગવાન શંકરે પોતાના લલાટમાંથી નીકળેલા બુંદમાંથી નર્મદા મૈયાને સૃષ્ટિના રચનાના પાપ નિવારણ માટે ઉત્પન્ન કર્યા હોવાનુ પુરાણોમાં વર્ણવાયુ છે. શિવપુત્રી રેવાનો વિવિધ વેદો , પુરાણોમાં જન્મનો ઉલ્લેખ કરાયો છે . નર્મદા પ્રાગટય વિશે સર્વોસામાન્ય વર્ણવાયેલી કથા મુજબ એક સમયે બ્રહ્મા , વિષ્ણુ , મહેશ સહિત સમસ્ત દેવતાઓને સૃષ્ટિ કાર્યમાં વિવિધ કારણોથી પાપ લાગી ગયુ હતુ . મહાદેવજી પ્રસન્ન થતાં તેમના શરીરમાંથી નીકળેલી એક બુંદમાંથી એક સુંદર કન્યાનું પ્રાગટય થયુ હતુ . કન્યાના દિવ્ય તેજથી દેવતાઓનું તેજ પણ ફીક્કુ પડી ગયુ હતુ . દેવતાઓએ આશ્ચર્યચકિત થઈને મહાદેવજીને કન્યાનુ નામ પુછતા તેમણે કહ્યુ હતુ કે , મારી જટામાંથી ઉતપન્ન થયા હોવાથી એમનુ નામ જટાશંકરી અને કલ્પકલ્પાંત સુધી ક્ષય નહીં હોવાથી એટલે અમર હોવાથી તે કન્યાનું નામ નર્મદા તરીકે પ્રસિધ્ધ થશે ત્યારથી નર્મદા નદી અવિરત પણે વહી રહી છે

પાવન સલીલા માં નર્મદાને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું છે તો સાથે જ વિશ્વની આ એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે

નર્મદા મૈયાને અમરત્વનું વરદાન મળ્યું હોવાથી સૃષ્ટિના વિનાશ બાદ પણ અનંતકાળ સુધી નર્મદા નદી નિરંતર ખળખળ વહેતી રહેવાનું વરદાન ભગવાન વિષ્ણુ અને શંકર તરફથી પ્રાપ્ત થયું છે . ઉદ્ગમ સ્થાન અમરકંટકથી લઈ સમુદ્ર સંગમ 1312 KM માં ભાડભૂત સુધી નર્મદા નદીના પ્રવાહમાં બંન્ને કાંઠે 74 કરોડ તીર્થો આવેલા છે . વિશ્વની એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. આથી પ્રતિવર્ષ ઘણા શ્રધ્ધાળુંઓ નર્મદા નદીની પરિક્રમા કરે છે. રેવા તટે તપ કરવાથી મળતી સિધ્ધિઓને હાંસલ કરવા માટે દેવતાઓ પણ બાકાત રહ્યા ન હતા . ઈન્દ્ર , કુબેર , વરૂણ , યમ , અગ્નિ , વાયુ મેઘ , ગણેશ , રામ - લક્ષ્મણ , જાંબુવન , હનુમાન , નલ - નીલ , બ્રહ્મા , વિષ્ણુ સહિતના તમામ દેવતાઓએ નર્મદાતટે તપ કર્યુ છે . જયારે કશ્યપ , અત્રિ , નારદ , વશિષ્ટ , પીપલાદ , કદમ , દધીચી , માર્કન્ડેય , સનત કુમાર , નચિકેતા , સાંદિલ્ય , માંડવ , કપીલ , આદી મહર્ષિઓએ રેવા તટે શિવલીંગ સ્થાપીને તપસ્યા કરી છે જેનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં જોવા મળે છે

નર્મદા નદી તેના વિભિન્ન નામો માટે જાણીતી.નર્મદા નદીના અનેક એવા નામો છે જેનો વેદ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે

નર્મદા મૈયા મોટા મોટા પહાડોને તોડીને તેને રવા જેવા બનાવી દેવાના કારણે એમનુ નામ રેવા થયુ હતુ . મંદ મંદ ગતિથિ વહેવાના કારણે મંદાકીની , ભારતના દક્ષિણ ભાગમાં વહેતી હોવાના પગલે દક્ષિણગંગા , ત્રણેય લોકમાં સમસ્ત પ્રાણીઓના પાપ સમાપ્ત કરવાના કારણે વિપાશા , શંકરની જટામાંથી ઉત્પન્ન થયા હોવાથી જટાશંકરી . સહિતના નામથી ઓળખાય છે .તો સાથે જ નર્મદા વિશ્વની એક માત્ર એવી નદી છે જેના દર્શન માત્રથી પાપોનો નાશ થતો હોવાની માન્યતા છે.

નર્મદાના ખોળે વસેલ ભરૂચમાં ઠેર ઠેર નર્મદા જયંતિની કરવામાં આવે છે ઉજવણી..ભરૂચમાં નર્મદા માતાજીનું મંદિર હોય કે ગાયત્રી શક્તિપીઠ ઝાડેશ્વર તો આ તરફ વેજલપૂર માછી સમાજ દ્વારા નર્મદા જયંતિની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે

ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાજીનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજી પર 11 મણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો સાથે નવચંડી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.તો આ સાથે જ વિશ્વ ગાયત્રી મંદિર ઝાડેશ્વર અને વેજલપુર માછી સમાજ દ્વારા પણ નવચંડી હવન,શોભાયાત્રા અને ચુંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

નર્મદા નદીના આ પટ પર એક આખેઆખી સંસ્કૃતિ વસે છે જેને માં નર્મદાએ ઉછેરી છે.નર્મદા નદીના આ પટ પર ૭૪ કરોડ તીર્થ સ્થળો આવેલા છે જે લોકોની આસ્થાના કેદ્ન્રો છે.લોકમાતા નર્મદાને આજે તેમની જયંતિ પર શત શત નમન..નમામી દેવી નર્મદે!

Next Story