Connect Gujarat
Featured

નર્મદા : "રંજુ કી બીટીયા" ટીવી સિરિયલના શુટિંગ દરમ્યાન કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન, જુઓ અભિનેત્રીએ શું કહ્યું.

નર્મદા : રંજુ કી બીટીયા ટીવી સિરિયલના શુટિંગ દરમ્યાન કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન, જુઓ અભિનેત્રીએ શું કહ્યું.
X

હાલ દેશભરમાં કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે ધંધા રોજગરો પુનઃ શરૂ કરવાની સૂચના છતાં નર્મદા જિલ્લાના લાછરસ ગામે હિન્દી ટીવી સિરિયલના શુટિંગમાં કોવિડ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન થતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રામજનોમાં પણ એ બાબતે રોષ છે કે, ટીવી સિરિયલના શુટિંગ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાય તેનો જવાબદાર કોણ..! લોકડાઉનના 6-7 મહિના સુધી બેકાર બનેલા લોકોને સિરિયલના શુટિંગ થકી રોજગારી મળી છે, તે સારી બાબત છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું એટલું જ આવશ્યક પણ છે. ઉપરાંત ટીવી સિરિયલનું શુટિંગ શરૂ કરવા નર્મદા જિલ્લા વહિવટી તંત્ર પાસે મંજૂરી લીધી છે કે, કેમ તે પણ એક મોટો પ્રશ્ન લોકોના મનમાં ઉદ્દભવી રહ્યો છે.

નર્મદા જિલ્લા પોલીસે અગાઉ કોવિડગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરી લગ્નનો વરઘોડો કાઢનારા લોકો પર રીતસરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મળતી માહિતી મુજબ લાછરસ ગ્રામ પંચાયતે શુટિંગ કરવાની મંજૂરી આપી છે, ત્યારે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેની જવાબદારી પણ પંચાયતની જ રહે છે. આગામી સપ્તાહમાં સ્ટારપ્લસ પર ચાલુ થનારી "રંજુ કી બીટીયા" સિરિયલના ડાયરેક્ટર પવન કુમારે જણાવ્યું હતું કે, અમે મુંબઈથી ગુજરાત શુટિંગ માટે આવતા પહેલા સ્ટાફનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો ત્યાર પછી જ ગુજરાત આવ્યા છે. અમે શુટિંગ દરમ્યાન અહીંયા કોરોના સંક્રમણ ન ફેલાય તેનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખીએ છે. જોકે સિરિયલના શુટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે મીડિયા સામે બોલતા ડાયરેક્ટર એક સમયે અકળાઈ પડ્યા હતા. જેમાં તેઓએ વાત વાતમાં હાલ શુટિંગ બંધ કરો કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story