નવસારી : નિરપણ ગામમાં લોકો કરે છે સળગતા અંગારા સાથે ખેલ, વિડિયો થયો વાયરલ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નિરપણ ગામમાં આવેલ માવલી માતાના મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતાજીની પૂજા દરમિયાન ગ્રામજનો પોતાના શરીર પર સળગતા અંગારાનો ખેલ કરતાં હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
હાલ ચાલી રહેલ હિન્દુ ધર્મના તહેવારો નિમિતે નિરપણ ગામમાં માવલી માતાના મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમ્યાન ગ્રામજનોએ પોતાના શરીર પર સળગતા અંગારાનો ખેલ કર્યો હતો. આ ગામમાં ભુવાઓ તેમજ ગ્રામજનો પ્રથમ માવલી માતાના મંદિરે પૂજા કરે છે અને બાદમાં સળગતા અંગારા ખાવા અને સળગતા લાકડા પોતાના શરીર પર મારવાની પરંપરા છે.
નિરપણ ગામમાં અનાજ ધાન્યની કાપણી પહેલા માવલી માતાની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે. સળગતા અંગારા પર ચાલીને માવલી માતાની આરાધના કરતા ધુણવાની પરંપરા પણ રહેલી છે. વાંસદા તાલુકાના આજુબાજુના ગામના લોકોએ સળગતા કોલસા સાથે કરતબો કરી માવલી માતાની પૂજા કરી હતી. મોટી સંખ્યામાં યુવકો માતાજીના સાનિધ્યમાં સળગતા અંગારા સાથે કરતબ કરતાં જોવા મળ્યા હતા. નૃત્ય સાથે યુવકો જુવાર અને અન્ય ધાન્ય પાકોને સળગાવીને પોતાના શરીર પર જાતે કોરડાની જેમ મારતાં હોય તેમ જોવા મળ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.