Connect Gujarat
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાની ચર્ચા અંગે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાની ચર્ચા અંગે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સામાન્ય બજેટ અગાઉ અર્થશાસ્ત્રીઓ સાથે

નીતિ આયોગમાં ગુરુવારે બેઠક કરી હતી. એવું મનાય છે કે આ બેઠકમા આર્થિક વૃદ્ધિ દરને

વેગ આપવા અને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા થઇ હતી. જોકે આ બેઠકમાં નાણાં મંત્રી

નિર્મલા સીતારામન ગેરહાજર રહેતા વિપક્ષી નેતાઓએ કટાક્ષ પણ કર્યો હતો.

તેમણે છેલ્લાં અનેક દિવસોથી વિવિધ હિતધારકો સાથે ૧૨થી વધુ બ્રેઇનસ્ટ્રોમિંગ મીટિંગ્સ કરી છે. જેમાં અર્થતંત્રને અસર કરતાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી છે. નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને તેમાં ફરીથી સુધારો થવાની ક્ષમતા છે. તેમણે ૨૦૨૪ સુધી ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવાનો ફરીવાર પુનરોચ્ચાર કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ ગુરુવારે નીતિ આયોગ ખાતે અર્થશાસ્ત્રીઓ, ખાનગી ઇક્વિટી અને વેન્ચર કેપિટાલિસ્ટ્સ, બિઝનેલ લીડર્સ અને એગ્રી નિષ્ણાતોને મળ્યા હતા. મોદીએ કહ્યું હતું કે 'આપણે એકસાથે કામ કરવા જોઇએ અને એક દેશની જેમ વિચારવાનું શરૂ કરી દેવું જોઇએ.'

વધુમાં પી.એમ મોદીએ કહ્યું હતું કે બે કલાકની મુક્ત ચર્ચામાં જમીની સ્તરે અને સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતાં જમીની અનુભ‌વની જાણ થઇ છે. આનાથી નીતિ ઘડવૈયાઓ અને વિવિધ હિતધારકો વચ્ચે જોડાણ મજબૂત થશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રવાસન, શહેરી વિકાસ, માળખું અને કૃષિ આધારિત ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં દેશના અર્થતંત્રને આગળ લઇ જવા અને રોજગારી ઊભી કરવાની મહત્તમ ક્ષમતા છે. આવા ફોરમો માં મુક્ત ચર્ચા અને બ્રેઇનસ્ટ્રોમિંગથી મજબૂત ચર્ચા થશે અને સમજણ ઊભી થશે.

આ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, સીઇઓ અમિતાભ કાંત અને અન્ય સીનિયર અધિકારીઓ હાજર હતા.

Next Story