/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-2-copy-3.jpg)
ગુજરાતના અન્ન આયોગના ડિરેકટરની પોલીસે અટકાયત કરતાં PI એ ધક્કે ચઢાવ્યા હોવાની ચર્ચા
રાજકોટ મનપા અને પોલીસ દ્વારા પેલેસ રોડ અને ગુંદાવાડી રોડ પર ઓટા રીક્ષાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન ભાજપા અગ્રણી તેમજ ગુજરાતના અન્ન આયોગના ડિરેકટર દિનેશ કારિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. એક તબક્કે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. તેમજ A ડિવિઝનના PI એ ધક્કે ચઢાવ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી હતી. આ મામલે દિનેશ કારીયાએ પોતાની સાથે અસભ્ય વર્તન થયાની ફરિયાદ નોંધાતા A ડિવિઝનના PI સામે તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
મહાપાલિકા અને પોલીસ દ્વારા પેલેસ અને ગુંદાવાડી રોડ પર ઓટાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેલેસ રોડ પર ઓટાનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ભાજપના અગ્રણી અને ગુજરાત અન્ન આયોગના ડિરેકટર દિનેશ કારિયા ત્યાં પહોંચ્યા હતાં. તેમજ તમારાથી દુકાનના ઓટા કેમ તોડાય તેવી વાત કરીને મહાપાલિકા અને પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનવાનું શરૂ કર્યુ હતું. દરમિયાન A ડિવિઝનના PI બી. પી. સોનારા દ્વારા દિનેશ કારીયાને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતા તેને પોલીસ મથકે લઈ જવાયા હતા.
આ તકે PI દ્વારા તેમને ફડાકા મરાયા હોવાનું પણ ત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું. જો કે, સામાન્ય પ્રજાજન સામે ફરજમાં રૂકાવટ સહિતની કાયદાકીય કાર્યવાહી કરનાર પોલીસ અને મહાપાલિકા તંત્ર રાજકીય દબાણના કારણે ઘૂંટણિયે પડી ગયું હતું. અને ભાજપના અગ્રણી સામે અટકાયતી પગલાં લેવાનું પણ માંડી વાળ્યું હતું. બીજી તરફ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે ની ઉક્તિને સાર્થક કરતા દિનેશ કારીયાએ PI વિરૂધ્ધ અસભ્ય વર્તન કરવાની રાવ કરતા આ અંગે તપાસના આદેશો અપાયા છે. તેમજ રાજકીય વર્તુળોમાં PI ની બદલી થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.