Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ પુત્રએ છરીનાં ઘા ઝીંકી કરી પિતાની હત્યા, શહેરને ક્રાઈમમાંથી ક્યારે મળશે આઝાદી?

રાજકોટઃ પુત્રએ છરીનાં ઘા ઝીંકી કરી પિતાની હત્યા, શહેરને ક્રાઈમમાંથી ક્યારે મળશે આઝાદી?
X

જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટીનો બનાવ, પોલીસ આરોપી પુત્રની કરી ધરપકડ

રાજકોટમાં રોજ બરોજ ખૂન, લૂંટ, મારામારીના બનાવો વધી રહ્યા છે. આઝાદીના પર્વમાં પણ રાજકોટ ક્રાઇમથી ખરડાયેલું રહ્યું હતું. હવે શહેરને ક્રાઈમમાંથી ક્યારે આઝાદી મળશે તે કહેવુ મુશ્કેલ છે. શહેરના જામનગર રોડ પર મોડી રાત્રે એટલે કે 15 ઓગસ્ટના દિવસે જ પુત્રએ સગા પિતાને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. બનાવના પગલે પોલીસ દોડી ગઇ હતી. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરનાં જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટીમાં પુત્રએ જ પોતાના પિતાનું છરીથી કાસળ કાઢી નાખ્યું છે. ગાંધી સોસાયટીમાં ચોકીદારી કરતા પુરન બહાદુર નામનો નેપાળી શખ્સ તેની પત્ની સાથે કોઇ કારણોસર ઝઘડો કરતો હતો. રોજ બરોજના ઝઘડાથી કંટાળી પુરન બહાદુરના પુત્ર પ્રેમ બહાદુરને પિતા સાથે બોલાચાલી થતા ઉશ્કેરાઇને છરીના ઘા મારી દીધા હતા. જેના પગલે ઘટનાસ્થળે જ તેનુ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે બૂમાબૂમ થઇ હતી અને આજુબાજુના લોકો એકઠા થયા હતા. પોલીસ અને 108ને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે તાત્કાલિક આરોપી પુત્રને ઝડપી લીધો હતો. પોલીસે પ્રાથમિક વિગતમાં નજીવી બાબતે હત્યા થયું હોવાનું જણાવ્યું હતું. પુત્રની વધુ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story