/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/hqdefault-6.jpg)
રાજકોટની મહિલા પાસે માંગ્યા તા 6 લાખ, મહિલાએ ખાધી ઊંઘની ગોળીઓ
રાજકોટમાં મહિલાનું નકલી ફેસબુક ID બનાવી મહિલાઓને જ બ્લેકમેલ કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે, આ ભચાઉના શખ્સે 50 જેટલી મહિલાઓને ફેસબુકમાં ફ્રેન્ડ બનાવી કોઈને કોઈ પ્રકારે બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. મહિલાએ આ યુવાનના ત્રાસથી ઘેનના ટિકડા ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આરોપી પરિણીત અને 10 ધોરણ પાસ છે.
મૂળ ભચાઉનો આરોપી હરિશ્ચંદ્ર ઉર્ફે હરદીપસિંહ બળવંતસિંહ વાઘેલા પરિણીત છે. તેણે માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. મહિલાના નામે FB એકાઉન્ટ બનાવી અન્ય મહિલાઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ફોટા પોતાની સાથે એડિટ કરી સામેવાળી મહિલાને બ્લેકમેલ કરતો હતો. રાજકોટની જ આવી એક મહિલા સાથે મિત્રતા કેળવી તેની સાથે સેલ્ફી લઈ વાઈરલ કરવાની અને તેના પતિને મોકલવાની ધમકીઓ આપી 6 લાખ તેમજ સ્વીફ્ટ કારની માંગ કરી હતી. જો કે મહિલાએ ડરીને 50 હજાર રૂપિયાની રકમ પણ આપી હતી. અંતે હિંમત કરી મહિલાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
સોશિયલ મિડિયામાં મહિલાની છેડતી કરનારને છોડવામાં નહીં આવે : પોલીસ કમિશ્નર આજે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સોશિયલ મિડિયામાં મહિલાઓની છેડતી કરનાર શખ્સોને છોડવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, આજના બનાવને લઈ પ્રાથમિક પૂછપરછમાં મૂળ ભચાઉના યુવાને 50 જેટલી મહિલાઓને બ્લેકમેલ કારી હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાઓ ક્યાંની છે. તેમજ કોની પાસેથી કેટલી રકમ લેવામાં આવી છે અગાઉ પણ આ શખ્સ સામે આ જ પ્રકારના ગુના પણ નોંધાયા હોઈ તેની વિગત રિમાન્ડ દરમિયાન જાણવા મળશે.