/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/f7fbc15d-d3bc-4861-b245-aeb5106dfb4b.jpg)
5 દિવસ ચાલનારા આ જન્માષ્ટમીના મેળાનો 12થી 15 લાખ લોકો લાભ લેશે
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે આયોજીત ગોરસ લોકમેળાનો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ સાથે જ ગોરસ મેળા માટે ખાસ તૈયાર કરવામાં આવેલું થીમ સોંગ પણ રજૂ કરાયું હતું. સૌરાષ્ટ્રમાંથી અંદાજે 12-15 લાખ લોકો 5 દિવસ ચાલનારા આ મેળાની મુલાકાત લેશે. જો કે મેળાની શરૂઆતના દિવસે જ વરસાદનું આગમન થયું હતું. જેને પગલે પ્રથમ દિવસે જ મેળામાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. અને ગારા તેમજ કીચડનું સામ્રાજ્ય જોવા મળતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા વડવાઓએ સમાજને એક જગ્યાએ એકત્ર કરવા મેળા યોજવાનું આયોજન કર્યું હતું. મેળામાં લાખો લોકો આવે ત્યાં કોઈ જ્ઞાતિ પૂછતું નથી. લોકમેળો એ સામાજિક સમરસતાની નિશાની છે. અગાઉના અને હાલના મેળામાં ઘણો તફાવત છે. અમે 3થી5 રૂપિયામાં મેળાની મોજ માણતા હતા. ત્યારે આજે મેળાની મોજ લેવા 3થી5 હજારની જરૂર પડે છે. જો કે ખર્ચની સાથે જ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આનંદ પણ વધ્યો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. અને સૌરાષ્ટ્રના લોકોને મેળાનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગોરસ લોકમેળામાં લોકોના આકર્ષણ માટે રમકડાના 178 અને ખાણીપીણીના 14 સ્ટોલ સહિત મધ્યમ ચકરડી માટે 4 અને નાની ચકરડી માટે 18 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત મોટી યાંત્રિક ચકરડી, ટોરાટોરા, ફજત ફાળકા, મોતના કૂવા સહિતના 44 જેટલા પ્લોટમાં વિવિધ રાઇડસ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ લોકમેળામાં ફરતા-ફરતા લોકો ખાણીપીણીની જયાફત માણી શકે તે માટે નાના-મોટા 5 સ્ટોલ તથા આઇસ્ક્રિમના 16 ચોકઠા પણ આતુરતા પૂર્વક લોકોના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે.