વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે હવે રાજકોટવાસીઓની ટ્રાફિક સમસ્યાનો કાયમી નિકાલ પણ આવી રહ્યો છે. રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ટ્રાઈએંગલ ફ્લાય ઓવર બ્રીજનું PM મોદી લોકાર્પણ કરશે. આ ઉપરાંત 150 ફૂટ રીંગ રોડના મધ્યમાં આવેલા નાના મવા ચોક ખાતે રૂપિયા 40 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રીજનું તેમજ ગોંડલ-જામનગર રોડને જોડતા રસ્તા ઉપર રામદેવપીર ચોક ખાતે રૂપિયા 41 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રીજનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાન શહેરની TP-1 FP 1073માં રૂપિયા 8 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થયેલ ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. આ યોજનાનું લોકાર્પણ થતા આ વિસ્તારના આશરે 2 લાખ લોકો આ સુવિધાનો લાભ લઇ શકશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના હસ્તે વોર્ડ નં. 12 મવડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતોના કોર્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.