વિશ્વવિખ્યાત વીરપુર જલારામ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
સંત શિરોમણી જલારામ બાપાની આજરોજ 226મી જન્મજયંતિ
જલારામ જયંતિએ વીરપુર ધામમાં ઊમટ્યું માનવ મહેરામણ
પાદુકા પૂજન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો
“જ્યાં ટુકડો, ત્યાં હરી ઢુકડો"ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજરોજ 226મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ જિલ્લાના વીરપુર ધામ ખાતે માનવ મહેરામણ ઊમટ્યું હતું.
રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે આવેલું વિશ્વવિખ્યાત જલારામ મંદિર અનેક ભક્તોને આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આજરોજ પૂજ્ય બાપાની 226મી જન્મ જયંતિ નિમિતે બાપાની જન્મ ભૂમિ વીરપુર ધામ ખાતે દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. જલારામ જયંતિ નિમિતે દેશ-વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ વીરપુર ખાતે આવી ગયા હતા. મંદિરની બન્ને બાજુ એક-એક કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. પૂજ્ય બાપાના પરીવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા-અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારી પાદુકા પૂજન બાદ ભાવિકો માટે દર્શન ખુલ્લા મુક્યા હતા.
જલારામ જયંતીની ઉજવણી માટે વીરપુરવાસીઓ દ્વારા પણ ઘરે-ઘરે રંગોળી, મકાનના દ્વારે આસોપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવતા વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. એટલું જ નહીં, મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે. તેમજ ભાવિકો માટે વીરપુર પહોચવાના રસ્તાઓ પર પાણી, સરબત તેમજ છાશની પરબ અને ઠેરઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, બાપાની 226મી જન્મ જયંતિ હોય જ્યોત્સવ સમિતિ દ્વારા 226 કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે.