વડોદરા મહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વડોદરાના મદન ઝાપા મેઇન રોડ પર આવેલી કરિયાણાની એક દુકાનમાં આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરોએ ચેકિંગ કરતા વનસ્પતિ ઘી જેવા 170 કિ. ગ્રા. જેવો પદાર્થ કબજે કર્યો હતો. ઉપરાંત કરિયાણાના આ વેપારીને ત્યાંથી વનસ્પતિ ઘી જેવા પદાર્થના નમૂના લીધા છે આ તમામ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ દુકાનમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો વેપાર ધંધો થતો હોવાની જાણ પાલિકા મ્યુનિ. કમિશનર દિલીપકુમાર રાણાને થઈ હતી.આ અંગે કનૈયાલાલ ગાંધીની કરિયાણાની દુકાનમાં સઘન ચેકિંગ કરવા તથા વિવિધ ચીજ વસ્તુઓના નમુના ચેક લેવા બાબતે અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યને સુચના આપવામાં આવી હતી. ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે મદન ઝાપા વિસ્તારની કરિયાણાની દુકાનમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.ફૂડ ઇન્સ્પેક્ટરોના સઘન ચેકિંગમાં કનૈયાલાલ ગાંધીની દુકાનમાંથી વનસ્પતિ ઘી જેવા 170 કિલોગ્રામ પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો