વિરપુર : જલારામ બાપાની 222મી જન્મ જયંતી નિમિતે ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર...

“જ્યાં ટુકડો ત્યા હરિ ઢુકડો” અને “દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 222મી જન્મ જયંતીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે.

New Update
વિરપુર : જલારામ બાપાની 222મી જન્મ જયંતી નિમિતે ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર...

"જ્યાં ટુકડો ત્યા હરિ ઢુકડો" અને "દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ" સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 222મી જન્મ જયંતીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વિરપુર ધામ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. આ અવસરે વિરપુર ખાતે સાઇકલ યાત્રા પણ આવી પહોચી હતી. ઉપરાંત સ્થાનિકોએ પણ વિશાળ રંગોળી બનાવી એકમેકને જલારામ જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી.

કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત વિરપુર ખાતે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે જલારામ બાપાના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ અને વિદેશમાંથી ભક્તો વિરપુર ખાતે જલા જોગીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ બાપાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો લાગી છે. પૂજ્ય જલારામ બાપામાં અપાર શ્રદ્ધાને લઈને ભક્તોએ લોકોના દુઃખ દૂર કરવા માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

અન્નયોગથી નવો જ કર્મયોગ રચનાર જોગી જલારામ બાપાની આજે 222મી જન્મ જયંતીના દિવસે વિરપુર ગામમાં પણ સ્થાનિક રહીશોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિરપુર ધામમાં ઘરે ઘરે લોકોએ રંગબેરંગી રંગોળી કરીને દિવાળી જેવો જ માહોલ ઉભો કર્યો છે. આ ઉપરાંત ઠેર ઠેર આસોપાલવના તોરણ અને ઘીના દીવડાથી વિરપુર ધામ ઝળહળી ઉઠ્યું છે. આજના દિવસે જલારામ બાપાને બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવે છે, ત્યારે વિરપુરના બજારોમાં પણ પ્રસાદ ખરીદવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ જલારામ જયંતીના દિવસે સુરત જિલ્લામાંથી પણ સાઇકલ યાત્રીઓ વિરપુર ધામ ખાતે પોતાની સાઇકલ યાત્રા લઈને પહોચ્યા હતા. છેલ્લા 22 વર્ષથી સુરતના સચિન વિસ્તારના વડીલ અને યુવાનો સહિત બાળકો મળી કુલ 40 જેટલા સાઇકલ યાત્રીઓ 4 દિવસ બાદ વિરપુર ખાતે આવી પહોચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે તમામ સાઇકલ યાત્રીઓએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Latest Stories