Connect Gujarat
સ્પોર્ટ્સ

નોઇડાના ડીએમ સુહાસ યતિરાજે સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ; મેડલ જીતનારા પહેલા IAS અધિકારી

ટોક્યો પેરાલિમ્પિકમાં સુહાસ યતિરાજે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. SL4 ક્લાસ ફાઇનલમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માજૂર સામે હારતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયા.

નોઇડાના ડીએમ સુહાસ યતિરાજે સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ; મેડલ જીતનારા પહેલા IAS અધિકારી
X

ટોક્યો પેરાલિમ્પિકમાં સુહાસ યતિરાજે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. SL4 ક્લાસ ફાઇનલમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માજૂર સામે હારતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયા. માજૂરે સુહાસને 15-21, 21-17, 21-15 થી હરાવ્યા. ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિંટનમાં આ ભારતનો ત્રીજો મેડલ છે. ગૌતમ બુદ્ધ નગર, નોઇડાના 38 વર્ષીય જિલ્લાધિકારી સુહાસ પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનારા પહેલા આઇએએસ અધિકારી પણ બની ગયા છે. આ પહેલા શનિવારે ભારતીય શટલર પ્રમોદ ભગતે કમાલનું પ્રદર્શન કરતા બેડમિંટન સિંગલ્સ SL3નો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કર્ણાટકના 38 વર્ષના સુહાસના પગના ઘૂંટણમાં તકલીફ છે. બેડમિંટન કોર્ટની અંદર અને બહાર ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા સુહાસ કોમ્પ્યુટર એન્જિનિયર છે અને 2007 બેચના IAS અધિકારી પણ છે. તેઓ 2020થી નોઇડાના જિલ્લા મેજિસ્ટ્રેટ છે અને કોરોના મહામારી સામેના યુદ્ધમાં મોરચાની આગેવાની કરી ચૂક્યા છે. NIT કર્ણાટકમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે સ્નાતક થયેલા સુહાસ અગાઉ પ્રયાગરાજ, આગ્રા, આઝમગઢ, જૌનપુર, સોનભદ્ર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ રહી ચૂક્યા છે.

સુહાસ યતિરાજની પ્રોફેશનલ સફર 2016માં શરૂ થઈ હતી જ્યારે તેઓ પૂર્વ ઉત્તર પ્રદેશ આઝમગઢ જિલ્લાના ડીએમ હતા અને ત્યાં બેડમિંટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુહાસે કહ્યું, 'હું ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન વખતે મહેમાન હતો અને ભાગ લેવાની મારી ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યાં સુધી તે મારા માટે એક શોખ હતો કારણ કે હું બાળપણથી બેડમિંટન રમતો હતો. મને ત્યાં રમવાની તક મળી અને મેં રાજ્ય કક્ષાના ખેલાડીઓને હરાવ્યા.'તેમણે કહ્યું કે આ સ્થળે દેશની પેરા-બેડમિંટન ટીમના હાલના કોચ ગૌરવ ખન્નાએ તેમને જોયા અને તેને એક પ્રોફેશનલ રીતે તેને અપનાવવાની સલાહ આપી. તે જ વર્ષે તેઓએ બેઇજિંગમાં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ બિન-ક્રમાંકિત ખેલાડી બની ગયા.

સુહાસે 2017 અને 2019માં BWF તુર્કી પેરા બેડમિંટન ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સ અને ડબલ્સ ગોલ્ડ જીત્યા હતા. તેમણે 2020માં બ્રાઝિલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે જુલાઈમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં તેની ભાગીદારીની પુષ્ટિ થઈ, ત્યારે સુહાસે કહ્યું કે આ પ્રતયોગિતા ચોક્કસ એક પડકાર હશે અને પોતાની શ્રેણીમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી હોવાથી તેઓ મેડલના દાવેદાર હશે.

Next Story