ST નિગમે CNG નહીં ડીઝલની બસો માટે ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી માંગી

ST નિગમે CNG નહીં ડીઝલની બસો માટે ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી માંગી
New Update

ગુજરાત સરકારની પર્યાવરણ નીતિ -GSRTCમાં ૨૬.૯૦ ટકા ઓવરેજ બસો દોડતી હોવાથી તેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને માથે જોખમ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ૭૪૬૭ બસના કાફલામાંથી ૨૬.૯૦ ટકા એટલે કે ૧૮૬૫થી વધુ બસ ઓવરએજ થઈ ગઈ હોવા છતાંય દોડાવવામાં આવી રહી હોવાથી તેમાં પ્રવાસ કરનારાઓના જીવન સામે ખતરો ઊભો થઈ રહ્યો છે.

ગુજરાત સરકારના નિયમ મુજબ બસ ૮ લાખ કિલોમીટર ચાલી જાય તે પછી તેને ભંગારમાં કાઢી નાખવાની હોય છે. પરંતુ આજની તારીખે ઓવરએજ બસ દોડી રહી છે. તેમાંય નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે સરકાર તરફથી બસ રિપ્લેસ કરવા માટેની મંજૂરી મળી ગઈ હોવા છતાંય ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને સીએનજીથી દોડતી બસ ખરીદવામાં રસ નથી.

તેઓ ડિઝલથી દોડતી બસ ખરીદવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસે મંજૂરી માગી રહી છે. હવાનું પ્રદુષણ ઓછું થાય તે માટે પેટ્રોલ અને ડિઝલ જેવા ઇંધણથી દોડતી બસની સંખ્યા ઘટાડીને ડિઝલથી દોડતી બસનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયેલો છે. તાજેતરમાં જ અમદાવાદનું હવાનું પ્રદુષણ દિલ્હીના હવાના પ્રદુષણ કરતાંય વધી ગયાનો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે પણ સીએનજીને બદલે ડિઝલથી દોડતી બસ જ ખરીદવાનો આગ્રહ જીએસઆરટીસીના અધિકારીઓ રાખી રહ્યા છે. તેથી ૨૬.૯૦ ટકા જેટલી ઓવરએજ બસ પ્રવાસીઓના જીવ સામેનું જોખમ વધારી રહી છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના અણઘડ વહીવટનો આ નાદાર નમૂનો છે. પેસેન્જર્સના હિતમાં જ આઠ લાખ કિલોમીટરથી વધુ દોડી ચૂકેલી બસને ભંગારમાં કાઢી નાખવાનો નિયમ કરવામાં આવેલો છે. ૨૦૧૦માં પણ ૨૭ ટકા જેટલી ઓવરએજ બસો રોડ પર હોવાની ઘટના બની હતી.

તે વખતે સરકારે રૂપિયા ૪૦૦ કરોડની ફાળવણી પણ કરી હતી. આ નાણાંનો ઉપયોગ કરીને ચાર વર્ષમાં ૧૬૦૦ નવી બસ કાફલામાં ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ નિયમિત સમયાંતરે નવી બસ ન ખરીદીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે અણઘડ વહીવટ કર્યો છે. આજની તારીખે પણ રોજની ચારેક બસ ઓવરએજ થતી હોવા છતાંય જીએસઆરટીસી તેને નિયમિત સમયાંતરે

બદલવાની બાબતમાં જોઈએ તેવી સક્રિયતા ન દાખવતી હોવાનું જોવા મળી રહ્યું છે. તેથી ઓવરએજ બસના કાફલામાં રોજરોજ વધારો થઈ રહ્યો છે. આ ઓવરએજ બસ પેસેન્જર્સ ઉપરાંત પદાતીઓ અને અન્ય વાહનચાલકો માટે પણ ખતરારૂપ છે. પ્રદુષણ ઓછું કરવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સીએનજીથી દોડતી બસ લેવાનો આગ્રહ રાખી રહી છે, પરંતુ જીએસઆરટીસીના સત્તાવાળાઓને રહસ્યમય

કારણોસર ડીઝલથી દોડતી બસ જ ખરીદવી છે. કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી સીએનજીથી દોડતી થોડી બસ પણ કાફલામાં ઉમેરવામાં જીએસઆરટીસીને રસ ન હોવાનું જણાય છે. આ અંગેની હિયરિંગમાં પણ જીએસઆરટીસીના વકીલો હાજર ન રહેતા હોવાથી સમય વેડફાઈ રહ્યો છે.

  • ગુજરાતના જુદા જુદાં શહેરોમાં દોડી રહેલી ઓવરએજ બસ શહેરનું નામ ભંગારને પાત્ર બસ

નડિઆદ ૩૯ ટકા, જામનગર ૩૮ ટકા, રાજકોટ ૩૭ ટકા, મહેસાણા ૨૯ ટકા, વલસાડ ૨૮ ટકા, ભૂજ ૨૮ ટકા, સુરત ૨૭ ટકા, પાલનપુર ૨૭ ટકા, ભરૂચ ૨૫ ટકા, જૂનાગઢ ૨૫, ટકા, ભાવનગર ૨૫ ટકા, અમરેલી ૨૫ ટકા, ગોધરા ૨૦ ટકા, હિમ્મતનગર ૨૦ ટકા, વડોદરા ૨૦ ટકા, અમદાવાદ ૧૦ ટકા

#Gujarat #Diesel #ST #CNG #GSRTC #Gujarat News #ST Buss
Here are a few more articles:
Read the Next Article