Connect Gujarat
Featured

સુરત : નકલી ઇન્જેકશન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, એક ઇન્જેકશન પર 1,000 રૂા. નફો લેતો

સુરત : નકલી ઇન્જેકશન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, એક ઇન્જેકશન પર 1,000 રૂા. નફો લેતો
X

રેમડેસિવિરના નકલી ઇન્જેકશન બનાવવાના કૌભાંડમાં રોજ નવા ખુલાસા થઇ રહયાં છે. સુરત ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપી જયદેવસિંહ ઝાલાને 8 નકલી ઇન્જેકશન સાથે દબોચી લીધો છે.

કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેકશનની માંગ વધી જતાં તેના કાળાબજાર શરૂ થઇ ગયાં હતાં. આ તકનો લાભ ઉઠાવી કૌશલ વોરા નામના યુવાને નકલી ઇન્જેકશન બનાવવાનો જ વેપલો શરૂ કરી દીધો હતો. તેણે તથા તેની ગેંગે મળી રાજયભરમાં અનેક દર્દીઓને નકલી ઇન્જેકશન પધરાવીને લાખો રૂપિયાનો ધંધો કરી નાંખ્યો છે. ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાં બનેલા અને તેલંગણાની કંપનીના માર્કો લગાવેલા નકલી રેમડેસિવર વેચવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાંચે જયદેવસિંહ ઝાલા નામના આરોપીને ઝડપી પાડયો છે.

કૌશલે બનાવેલા નકલી રેમડેસિવિર સુરત, અમદાવાદ, મોરબી જ નહીં વડોદરા અને મહેસાણામાં પણ સપ્લાય થયાનો ઘટસ્ફોટ થયો છે. જયદેવ પાસેથી પોલીસે 38,400ની કિંમતના 8 નકલી રેમડેસિવિર કબજે લીધા હતા. મુખ્ય આરોપી કૌશલ જયદેવસિંહને ઇન્જેક્શન રૂ.3500ના ભાવે આપતો અને જયદેવસિંહ 4500માં વેચતો હતો.સુરતમાં જયદેવસિંહ ઝાલાએ 134 પૈકી 126 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચ્યા હતા. જયદેવે સુરત સિવાય વડોદરા, અંકલેશ્વર અને મોરબીમાં પણ વેચાણ કર્યાનું સામે આવ્યું છે.હાલમાં આરોપી જયદેવ 10 દિવસના રિમાન્ડ પર છે.

Next Story