Connect Gujarat
ગુજરાત

સુરત : તાતીથૈયા અને સાયણમાં શ્રમિકોનો હોબાળો, તંત્રમાં દોડધામ

સુરત : તાતીથૈયા અને સાયણમાં શ્રમિકોનો હોબાળો, તંત્રમાં દોડધામ
X

ગુજરાતમાં સ્થાયી થયેલાં પરપ્રાંતિય શ્રમિકો હવે કોઇ પણ સંજોગોમાં વતનમાં પરત જવા માંગે છે. સોમવારના રોજ સુરત જિલ્લાના તાતીથૈયા અને સાયણ ગામમાં શ્રમિકોએ હોબાળો મચાવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

લોકડાઉનના ત્રીજા તબકકાના અંતિમ ચરણમાં શ્રમજીવીઓ ગુજરાતમાંથી ઉચાળા ભરી રહયાં છે. અત્યાર સુધીમાં લાખો પરપ્રાંતિય શ્રમજીવીઓ ગુજરાત છોડી તેમના વતનમાં પરત ફરી ચુકયાં છે. લોકડાઉન લાંબુ ખેંચાતા અનાજ અને નાણા ખુટી જતાં શ્રમિકો તેઓ વતનમાં જવા માટે મજબુર બની ગયાં છે. પલસાણાના તાતીથૈયા ગામે મહિલાઓનો અનાજ ન મળ્યાં નો આક્ષેપ.

રાજય સરકાર તરફથી રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહયું છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ પણ જીવનજરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરી રહી છે પરંતુ જેને મદદની સાચા અર્થમાં જરૂર છે તેવા લોકોને સહાયનો લાભ મળતો નથી. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે પરપ્રાંતિય મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ હતી. ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચેલી મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમને આજદિન સુધી અનાજ કે સહાય મળી નથી. સહાય અને અનાજ આપવામાં ભેદભાવ કરાય રહયો છે. અમુક વિસ્તારોમાં જ સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ તેમણે કરી હતી.

રાજયમાં રોજગારી માટે આવેલાં શ્રમજીવીઓની હાલત લોકડાઉનમાં દયનીય બની છે તેઓ હવે ગમે તે ભોગે વતનમાં પરત જવા માંગે છે. ઓલપાડના સાયણ ગામમાં પણ શ્રમજીવીઓના ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. વતનમાં પરત જવા ટ્રેનની ટીકીટ મેળવવામાં પડતી મુશ્કેલી તથા ભોજનના ફાંફાના કારણે શ્રમિકો હવે હંગામો કરવા મજબુર બની ગયાં છે.

સમગ્ર દેશ અને વિશ્વમાં ગુજરાત મોડલને રજુ કરવામાં આવી રહયું છે પણ કોરોના વાયરસની મહામારીને કાબુમાં લેવા રાજય સરકાર નિષ્ફળ રહી હોવાનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. જે શ્રમજીવીઓની કાળી મજુરીથી ગુજરાતના ઉદ્યોગો ધમધમી રહયાં છે તે શ્રમિકો જ હવે કોઇ પણ ભોગે ગુજરાતને અલવિદા કહી વતન પરત જઇ રહયાં છે. સરકાર અને વહીવટીતંત્ર શ્રમિકોની માંગણીઓને ગંભીરતાથી નહિ લે તો આગામી દિવસો કપરા બને તેવા એંધાણ છે.

Next Story