પુત્ર’ કુળનો વંશ હોય છે, જ્યારે પુત્રી’ કુળનો અંશ કહેવાય
શહેરમાં વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું
નિરાધાર 251 દીકરીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું
કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ રહ્યા વિશેષ ઉપસ્થિત
દશેરા નિમિત્તે શ્રીજી જ્વેલર્સ દ્વારા 400 દીકરીઓનું પૂજન કરાયું
તમામ દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરાયો
પુત્રને કુળનો વંશ અને પુત્રીને કુળનો અંશ ગણવામાં આવે છે, ત્યારે સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નિરાધાર 251 દીકરીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે દશેરાના પાવન અવસરે શ્રીજી જ્વેલર્સ દ્વારા 400 દીકરીઓનું પૂજન-અર્ચન કરી ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. PM મોદીના જન્મદિવસની વિવિધ કાર્યક્રમો થકી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત ખાતે PM મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 251 દીકરીઓને 7,500 રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ અને માતા-પિતા વગરની દીકરીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. બિલ્ડર પિયુષ દેસાઈ તરફથી નિરાધાર દીકરીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ ચેકનું વિતરણ કરાયું હતું.
તો બીજી તરફ, સુરતના મોટા વરાછા વિસ્તારના શ્રીજી જ્વેલર્સ દ્વારા દશેરાના પાવન અવસરે માઁ જગદંબાનું સ્વરૂપ ગણાતી 400 દીકરીઓનું પૂજન કરી તેમને ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રીજી જ્વેલર્સના માલિકે શુભ કાર્યની શરૂઆત કરી સમાજને એક નવી રાહ ચિંધવાની સાથે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીકરીઓના પૂજનથી સમાજમાં ‘બેટી બચાવો અને બેટી પઢાવો’નો સંદેશ પણ જ્વેલર્સ માલિકે આપ્યો હતો. આ અભિયાનને સાર્થક કરવા અને હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવા માટે શ્રીજી જ્વેલર્સના માલિકના ઉમદા પ્રયાસની સૌકોઈ સરાહના કરી રહ્યા છે.