-
કોસંબા નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત
-
બસ ખાડીમાં ખાબકતા સર્જાયો ગોઝારો અકસ્માત
-
બસમાં સવાર 40 મુસાફરોનું કરાયું રેસ્ક્યુ
-
ફાયર બ્રિગેડ દ્વારા બસનું પતરું કાપીને મુસાફરોને બહાર કઢાયા
-
એક યુવકનું નીપજ્યું મોત,અન્ય સારવાર હેઠળ
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું,જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.
રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજરોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી પસાર થઇ રહી હતી,તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાબકી હતી,અને બસમાં નીંદર માણતા મુસાફરી દબાઈ ગયા હતા,અને બચાવ બચાવની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,માર્ગ પરથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા,અને 108 ઈમરજન્સી સહિતની સેવાને કોલ કરીને મદદે બોલાવી હતી.
સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી,અને બસના કેબીનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યૂની કામગીરી કરી હતી.બસમાંથી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,જયારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જેમાં એક યુવકનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત વરાછા ફાયર ઓફિસર ધીરુ ચૌહાણે જણાવ્યું હતું કે, હું હાલ રજા પર હતો.ગામડેથી સુરત આવી રહ્યો હતો, ત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમની મદદે ગયો હતો. બસમાં 30-35 લોકો ફસાયેલા હતા, જેમાં 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે.