સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સુધર્મભવન એસએમસી આવાસમાં રહેતા કારચાલકે ત્યાં જ વસવાટ કરતા માત્ર 2 વર્ષના માસુમ બાળકને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાથી ઉશ્કેરાયેલી મહિલાઓએ પોલીસ અધિકારીઓને ઘેરી કારચાલક સામે કાર્યવાહીની માંગ કરી હતી. બનાવને પગલે બાળકના પિતાએ અલથાણ પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની 32 વર્ષીય સૂરજ અમિચંદ ભટ્ટ પરિવાર સાથે સુરતના અલથાણ વિસ્તારના સુધર્મભવન એસએમસી આવાસમાં રહે છે. સૂરજ અમિચંદ ભટ્ટનો 2 વર્ષનો દીકરો પ્રીત ભટ્ટ ગત તા. 6 નવેમ્બરના રોજ સાંજે એસએમસી આવાસની બી’ બિલ્ડિંગની સામે તથા આંગણવાડીની બાજુમાં રમતો હતો. આ દરમિયાન એક જીજે-06-બીવી-8795 નંબરની કારનો ચાલક મુકેશ દેવીદાસ પેંધારકર જે સુધર્મભવન એસએમસી આવાસ અલથાણમાં રહે છે. જે કાર લઈને પૂરપાડ ઝડપે આવાસમાંથી પસાર થતાં આંગણવાડી પાસે રમતા પ્રીત ભટ્ટને અડફેટે લીધો હતો.
આ અકસ્માતમાં બાળકના માથા પર કારનું ટાયર ફરી વળતા માથું ચગદાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ચાલક કાર મુકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી આવી હતી. આ સમયે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ પોલીસ અધિકારીને ઘેરી ઉધડો લીધો હતો. જે બાદ મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.