/connect-gujarat/media/post_banners/0eacef9545fd40aa8ae6fe05c056cced2b515b2c9402eab7f44285d489e235c6.jpg)
સુરતના વરાછા વિસ્તારમાં ત્રણ ઓફિસને નિશાન બનાવી 8.56 લાખના હીરાની ચોરી કરનાર રીઢા આરોપીને કેશોદથી ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલા હીરાનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસ તપાસમાં બે ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા હતા.
સુરતના વરાછા મિનીબજાર સ્થિત ઠાકોર દ્વાર સોસાયટી નજીકથી આરોપી હિરલ ઉર્ફે હિરેન જયસુખભાઈ શિરોયા ફરીયાદી ભરતભાઈ જીવરાજભાઈ ઢોલાની ઓફિસમાંથી રૂ.૧.૧૪ લાખના હીરા, ચેતનભાઈ જયંતીભાઈ અકબરીની ઓફીસમાંથી ૬.૨૩ લાખના હીરા તેમજ અલ્પેશભાઈ રમેશભાઈ મોણપરાની ઓફીસમાંથી ૧.૧૭ લાખના હીરા એમ ત્રણ ઓફિસને નિશાન બનાવી ૮,૫૬ લાખની કિમતના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ગુનામાં તપાસ કરી રહેલી વરાછા પોલીસે આરોપીના સાસરે તેમજ વતન જુનાગઢ ખાતે પણ તપાસ કરી હતી પરંતુ તે પોલીસ પકડમાં આવતો ન હતો આ દરમ્યાન વરાછા પોલીસને માહિતી મળી હતી કે આરોપી કેશોદ વિસ્તારમાં ફરી રહ્યો છે જેથી વરાછા પોલીસે ત્યાની સ્થાનિક પોલીસનો સંપર્ક કરી તમામ જરૂરી માહિતી પૂરી પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.
વરાછા પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદામાલ કબજે કર્યો હતો તેમજ અન્ય ૪૯ હજારની કિંમતના ૨૪૮.૩૧ કેરેટ હીરા પણ કબજે કર્યા હતા. વધુમાં આરોપી રીઢો ગુનેગાર છે. તેની સામે એકાદ વર્ષ પહેલા સીગરાને ભગાડી જઈ દુષ્કર્મ કર્યાનો ૧ ગુનો, તેમજ આ જ વિસ્તારમાં હીરાની ઓફીસ તથા કારખાનાના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાના ૩ ગુના તેમજ જાનથી મારી નાખવાની ધમકીના ૨ ગુનામાં સંડોવાયેલો છે તેમજ પાસા હેઠળ સજા પણ ભોગવી ચુક્યો છે. હાલ વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.