New Update
-
કાપડનગરી સુરતમાં વધુ એક અકસ્માત
-
આઉટર રીંગરોડ પર અકસ્માત સર્જાયો
-
કારચાલકે 6 લોકોને ઉડાવ્યા
-
અકસ્માતમાં 2 સગાભાઈઓના મોત
-
4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
સુરતના આઉટર રીંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને આટફેટે લઈ છ વ્યક્તિને ઉડાવ્યાં હતા જેમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયાનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાખરા કાર ચલાવતો હતો.