બિહારમાં RJD-કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરાય
PM નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા પર કરાય હતી ટિપ્પણી
દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવાયો
ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા
બિહારમાં કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું દહન કરી ઉગ્ર નારા લગાવ્યા હતા.
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેના કારણે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે, ત્યારે સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય સામે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું દહન કરી કોંગ્રેસના ઝંડાને પણ ફાડી કાઢ્યો હતો. જોકે, વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. જેના કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું, અને ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાય હતી. જોકે, સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેતા કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.