Connect Gujarat
સુરત 

સુરત : 9 લાખ રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ, ધામડોદ ગામે ઉમટ્યા શિવભક્તો...

પલસાણા તાલુકાના ધામડોદ ગામે મહાશિવરાત્રી નિમિત્તે પ્રથમ વખત 9 લાખ જેટલા રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે

X

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ધામડોદ ગામે મહાશિવરાત્રી નિમિત્તે પ્રથમ વખત 9 લાખ જેટલા રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે રુદ્રાક્ષના વિશાળ શિવલિંગનું અનાવરણ કરાતા દર્શન માટે ભાવિકોની કતાર લાગી હતી.

મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે પલસાણા તાલુકા ધામડોદ ગામમાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ સંતો, આગેવાનો અને શિવભક્તોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 9 લાખ જેટલા રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. રુદ્રાક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ અનેરું છે. આમ પણ રુદ્રાક્ષ એ તો ભગવાન શિવના અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે. એટલે મહાશિવરાત્રીએ રુદ્રાક્ષના શિવલિંગનું વિશેષ મહત્વ છે, ત્યારે આ વિરાટ શિવલિંગનો અદભુત અને અલૌકિક નજારો જોવા દૂર દૂરથી ભક્તો ધામડોદ ખાતે ઉમટી પડ્યા છે. ભાગવતાચાર્ય પંકજ વ્યાસની નિશ્રામાં યોજાયેલા ભક્તિમય કાર્યક્રમમાં બારડોલી નગરના ધાર્મિક, સહકારી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જોકે, પ્રચારક બટુક વ્યાસે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે આ વર્ષે 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ કરાયું છે. આ શિવલિંગ નિર્માણની તૈયારીઓ છેલ્લા 3 મહિનાથી ચાલતી હતી, ત્યારે રુદ્રાક્ષ શિવલિંગના નિર્માણ અર્થે પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં 4 વખત સ્થાન પ્રાપ્ત થયું છે. ધર્મ અને અધ્યાત્મ ક્ષેત્રે આવી સિદ્ધિ બહુ જૂજ લોકોને મળી છે. આ શ્રેણીમાં હવે એક નવી જ સિદ્ધિ બદલ બટુક વ્યાસને બારડોલી પંથકની જનતાએ અભિનંદન પાઠવ્યા હતા.

Next Story