સુરતમાં એસ.ટી.કામદારો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જો પડતર માંગણી ન સંતોષાય તો તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં હડતાળ પરમ ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગ્રેડ પે માં વધારો, ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ,પૂર્ણ સાતમા પગાર પંચનો લાભ,એરિયર્સનો હપ્તો,ફિક્સ કામદારોના પગાર વધારો સહિત પડતર કુલ ૨૦ માંગણીઓને લઈ એસ.ટી.કામદારો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.જો કે છેલ્લા દોઢ માસથી તબક્કાવાર પોતાની માંગણીઓને લઈ વિરોધ કરી રહેલ એસ.ટી.કામદારોએ ૨૧ મી ઓકટોબરથી ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે.જો બુધવાર સુધીમાં માંગણી નહિ સ્વીકારાય તો ગુજરાતના 45 હજાર જેટલા એસટી.કામદારો અચોક્કસની હડતાળ પર ઉતરશે.જેના કારણે રાજયની 8 હજાર જેટલા એસ.ટી.બસો પૈડાં થંભી જવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. આ અંગે રાજ્યના માર્ગ વાહન વ્યવહાર મંત્રીએ થોડા સમય અગાઉ જ સુરત ખાતે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ મામલે વિચારણા ચાલી રહી છે પરંતુ હજી સુધી આ મામલે કોઇ સુખદ નિરાકરણ નહિ આવતા અંતે ચક્કાજામની ચીમકી એસટી યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.