Connect Gujarat
સુરત 

સુરત : ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હોવાના LIVE દ્રશ્યો, RPF જવાને જીવ બચાવ્યો

સુરત રેલ્વે સ્ટેશન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાઈને ફસાઈ ગયો હતો.

X

સુરત રેલ્વે સ્ટેશન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાઈને ફસાઈ ગયો હતો. તો બીજી તરફ, જ્યાં ફરજ બજાવી રહેલા આરપીએફ કર્મી અને લોકો નજીક દોડી આવ્યા હતા, જ્યારે ટ્રેન ઉભી રહી જતા મુસાફરનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 1 પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો હતો. આ દરમ્યાન તેનો પગ લપસી જતા, તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. તો બીજી તરફ ત્યાં ફરજ બજાવી રહેલ આરપીએફ સંદીપ યાદવની તેના પર નજર પડી હતી, જેથી તેઓ મુસાફરને બચાવવા દોડ્યા હતા. તેઓને જોઈ અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમ્યાન ટ્રેન ઉભી રહી જતા મુસાફરનો જીવ બચી ગયો હતો. ઉલ્લેખની છે કે, ઘણી વખત સ્ટેશન પર લોકો ટ્રેનમાં સીટ મેળવવા માટે ચાલુ ટ્રેનમાં ચઢવાની કોશિશ કરતા હોય છે, અને અકસ્માતે ટ્રેનમાંથી પટકાતા હોય છે. ઘણી વખત આવા કિસ્સાઓમાં લોકોના જીવ પણ જવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે, ત્યારે આવી જ એક ઘટના સુરતના રેલ્વે સ્ટેશન પર બની હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં મુસાફરનો જીવ બચી ગયો હતો. પરંતુ આ પ્રકારે ઉતાવળ કરીને ચાલુ ટ્રેનમાં ચઢવું યોગ્ય નથી. આ ઘટના લોકો માટે લાલ બત્તી સમાન છે. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે, અને લોકો પણ આ પ્રકારની ભૂલ કરીને જીવનું જોખમ ન લે તે માટે અપીલ પણ કરાઈ રહી છે.

Next Story