સુરત શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેની વિવિધ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આવા 25 લાખ પતંગોનું વિતરણ કરવામાં આવશે, જેથી આવતીકાલે ઉતરાયણના દિવસે આકાશમાં લોકોને મોદી પતંગ જોવા મળશે.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાઓ સાથેની વિવિધ પતંગો બનાવી છે. સુરતના અંબાનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. "સૌનો સાથ, સૌનો વિકાસ" સૂત્રને ચરિતાર્થ કરવા હેતુસર પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, સમગ્ર ગુજરાતમાં આવા 25 લાખ પતંગોનું વિતરણ કરવામાં આવશે, ત્યારે આવતીકાલે ઉતરાયણના દિવસે આકાશમાં લોકોને મોદી પતંગ જોવા મળે તેવું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.