ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની ખેર નહીં
અનેક વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગની લાલ આંખ
છેલ્લા 3 દિવસથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ
ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી
વાહનચાલકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા પોલીસની અપીલ
સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત શહેર તથા જિલ્લામાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની હવે ખેર નહીં. કારણ કે, વધતાં જતાં અકસ્માતોના બનાવોને નિવારવા સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગ સાઈડ પર વાહન હંકારવું, ઓવર સ્પીડ વાહન દોડાડવું, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઈડ જનાર 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે નો પાર્કિંગમાં વાહન પાર્કિંગ કરનાર 2 હજારથી વધુ વાહન ચાલકો દંડાયા છે. તો બીજી તરફ, સ્પીડ ગનના રોજેરોજ આશરે 1,400 જેટલા કેસ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ તો સુરત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.