Connect Gujarat
સુરત 

સુરત : હવે, ઓનલાઈન બુકિંગ વેળા વેક્સિન સર્ટિ અપલોડ કરશો તો જ મળશે સરથાણા નેચર પાર્કમાં પ્રવેશ...

મુલાકાતીઓએ પહેલા વેક્સિન અંગેનું સર્ટિફિકેટ ફરજિયાત અપલોડ કરવા મનપા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે.

X

સુરત શહેરના સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓએ પ્રવેશ મેળવવો હોય તો ઓનલાઈન બુકિંગ કરવું પડે છે, ત્યારે હવે અહી આવતા મુલાકાતીઓએ પહેલા વેક્સિન અંગેનું સર્ટિફિકેટ ફરજિયાત અપલોડ કરવા મનપા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે.

સુરત જિલ્લાનું વહીવટી તંત્ર કોરોના સંક્રમણ સામે ફરી સજ્જ થયું છે. જેમાં વેક્સિન નહીં તો મુલાકાતીઓને નેચર પાર્કમાં પ્રવેશ નહીં આપવા મનપા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એક તરફ પ્રથમ ડોઝનું 100 ટકાથી વધુ રસીકરણ નોંધાવનારી પાલિકાના જ કર્મીઓ 100 ટકા વેક્સિનેટ થયા નથી. તો બીજી તરફ સરથાણાના નેચર પાર્કનું ફરજિયાત ઓનલાઇન બુકિંગ ત્રાસરૂપ સાબિત થઈ રહ્યું છે.

સરથાણા નેચર પાર્કમાં પ્રવેશ ટિકીટ માટે ફરજિયાત ઓનલાઇન બુકિંગ સામે સ્માર્ટ ફોન યુઝ ન કરતાં ઘણા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ટિકીટ કાઉન્ટર ઉપર ભીડ ન થાય અને ઓનલાઇન બુકિંગનો વ્યાપ વધે તે માટે તંત્ર દ્વારા નિયમો બનવવામાં આવ્યા છે. જોકે, આ નિયમના લીધે ઓનલાઈન બુકિંગ વગર પહોંચી જતા પરિવારોને ભારે હાલાકી વેઠવી પડે છે. તા. 1 એપ્રિલથી તા. 29 ઓક્ટોબર સુધીમાં 53,177 મુલાકાતીઓ જ નોંધાયા હતા. જેમાં પાલિકાને રૂપિયા 14.73 લાખની આવક થવા પામી છે. જેથી હવે ઓનલાઇન ટિકીટ બુકિંગ સમયે ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડશે, ત્યારે સર્ટિફિકેટ વગર ટિકીટનું બુકિંગ થશે નહીં. આ રીતે મનપા દ્વારા સરથાણા નેચરપાર્કમાં આવતા મુલાકાતીઓના પ્રવેશ પહેલા વેક્સિન અંગેનું સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Next Story