-
પોલીસને પડકાર ફેંકતો વાયરલ વિડિયોનો મામલો
-
પોલીસે જોખમી સ્ટંટ કરતા નવ શખ્સોની શાન ઠેકાણે કરી
-
નવ નબીરાઓની વરાછા પોલીસે કરી ધરપકડ
-
તમામ આરોપીઓ વરાછાના ઘનશ્યામ નગરના રહેવાસી
-
સોશિયલ મીડિયા પર ફેમસ થવા બનાવી હતી રિલ્સ
સુરતમાં પોતાનું સોશિયલ મીડિયામાં વર્ચસ્વ વધારવાના અભરખા રાખતા યુટ્યુબર દ્વારા પોતાના સાથી મિત્રો સાથે કાર પર જોખમી સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો,જોકે પોલીસે આ નબીરાઓની ધરપકડ કરીને તેઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
સુરતમાં વાહનો પર જોખમી સ્ટંટ કરતા તત્વોના વિડીયો છાશવારે વાયરલ થતા રહે છે,અને પોલીસ દ્વારા આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે,જોકે તેમ છતાં સોશિયલ મીડિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકતા નબીરાઓ અપશબ્દો બોલીને કાર પર સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંકતા હોય છે.
આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં હિરેન ગોહિલ તેના અન્ય મિત્રોને પોલીસ ઓળખી ન જાય તે માટે મોઢા થી માંડીને શરીર પર રંગ લગાવી કાર પર જોખમી સ્ટંટ કરે છે,અને પોલીસને ખુલ્લી ચેલેન્જ પણ કરે છે.ત્યારે પોલીસ દ્વારા વાયરલ વિડીયોની ઘટનામાં હિરેન ગોહિલ,વિશાલ શિયાળ,ઉમેશ શિરસાઠ,શૈલેષ રાઠોડ,ગોપાલ પરમાર,મનહર રાઠોડ,બિપિન રાઠોડ,જયેશ ગોહિલ સહિત એક સગીરની ધરપકડ કરીને તેઓની શાન ઠેકાણે લાવી દીધી હતી.જેમાં મુખ્ય આરોપી હિરેન યુટ્યુબર છે,જ્યારે અન્ય ઝડપાયેલા આરોપીઓ હીરાના કારખાના અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે.પોલીસે આરોપી હિરેનની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.