શહેર સહિત જિલ્લામાં વધી રહેલા આત્મહત્યાના બનાવો
આત્મહત્યાના બનાવો અટકાવવા પોલીસ એક્શનમાં આવી
પોલીસ કમિશનર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો
પોલીસે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
હેલ્પલાઇન નં. 8128308100 સતત કાર્યરત રહેશે : પોલીસ
સુરત શહેર તથા જિલ્લામાં વધી રહેલા આત્મહત્યાના બનાવોને અટકાવવા સુરત પોલીસ કમિશનર દ્વારા એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સુરત પોલીસે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા 5 વર્ષોથી આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા 2 DCPની એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ તેમજ પોલીસ રેકોર્ડમાંથી આપઘાતના બનાવની માહિતી મંગાવી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના આધારે સુરત શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 1,866 જેટલા આત્મહત્યાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જે સુરત શહેર માટે ચિંતાજનક આંકડો કહી શકાય છે. સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, શહેરમાં બની રહેલા આપઘાતના બનાવને અટકાવવા માટે પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા લોકો માટે જીવન રક્ષક બની છે. જેમાં 100 નંબર તો છે, જ પરંતુ હવે લોકોને આત્મહત્યાનો વિચાર આવે તો તાત્કાલિક ધોરણે 8128308100 આ નંબર 24 કલાક કાર્યરત રહેશે. છેલ્લા 21 દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા 54થી વધુ લોકોના પોલીસે જીવ બચાવ્યા છે.
એટલું જ નહીં, તા. 21 જૂનથી 14 જુલાઈ સુધી આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર પર 308 કોલ આવ્યા હતા. જેમાંથી 301 લોકોને પ્રોફેશનલ કાઉન્સિલિંગ આપવામાં આવ્યું છે, જ્યારે 97 લોકોને પોલીસે સામે બેસાડી આત્મહત્યા નહીં કરવા અંગે સમજાવ્યા હતા. તો બીજી તરફ, 54 લોકો તો આત્મહત્યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા. જોકે, અંતિમ ઘડીએ પોલીસે પહોચી જઈ તેમને બચાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાથી હતાશ થઈ આપઘાતનો પ્રયાસ કરનાર લોકોના નિર્ણય બદલવામાં સુરત પોલીસ ઉત્તમ માધ્યમ બની છે.