-
MLAના બનાવ્યા ખોટા સહી સિક્કા
-
ભેજાબાજ શખ્સનું કારસ્તાન
-
કાપોદ્રા પોલીસે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું
-
આધારકાર્ડ,પાનકાર્ડ બનાવવાનું કૌભાંડ
-
આરોપી યુવક MBAનો વિદ્યાર્થી
-
પોલીસે શરૂ કરી વધુ તપાસ
સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે MBAના વિદ્યાર્થીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
સુરતમાં એક લબરમૂછિયા યુવકે પૈસા કમાવવા માટેનો ભારે શોર્ટકટ અપનાવ્યો હતો,આ યુવકે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનાં બોગસ સહી સિક્કા બનાવ્યા હતા,અને તેના આધારે આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવતો હતો.અને એક આધારકાર્ડ દીઠ ગ્રાહક પાસેથી રૂપિયા 200 ચાર્જ વસુલ કરતો હતો.
પહેલી એપ્રિલની સાંજના સમયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીદાર મારફતે ચોકકસ બાતમી મળી હતી કે, દિપક પટનાયક નામનો શખસ આધારકાર્ડ-પાનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવી અને નામ-સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્યો તથા અન્ય હોદ્દેદારોના ખોટા સહી-સિક્કાઓ બનાવી, ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઈટ ઉપર અપલોડ કરે છે.
કાપોદ્રા પોલીસે બાતમી આધારે એક ઓપરેશન હાથ ધરી કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી દિપક કવીરાજભાઇ પટનાયક ઉ.વ.26 ધંધો-અભ્યાસ અને કન્સલ્ટન્સીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધારકાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
આરોપી દિપક કવીરાજભાઇ પટનાયકે તેના વતન ઓડીશા સંબલપુર ખાતે એક અજાણ્યા શખ્સ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.વધુમાં દિપક MBAનો સ્ટુડન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે.હાલ પોલીસે ડોક્યુમેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સમાન પણ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.